પ્રિયંકાની કામ કરવાની રીતથી નેતા નારાજ, કહ્યું- કૉંગ્રેસ પ્રાઇવેટ લિ. કંપની નથી

મુખ્ય સમાચાર રાજકીય

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં કૉંગ્રેસ (Congress)ની બગડતી હાલતને સંભાળવા માટે પ્રિયંકા ગાંધીએ કમાન પોતાના હાથમાં તો લઈ લીધી છે પરંતુ અંદર બધુ બરાબર નથી લાગી રહ્યું. પાર્ટીના જૂના અને દિગ્ગજ સ્થાનિક નેતાઓને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ કમિટિમાંથી (UPCC) બહાર કાઢવા અંગે હવે નારજગી સ્પષ્ટ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ, ધારાસભ્ય અને MLC તેમજ વિધાનસભા તેમજ લોકસભાના ઉમેદવારોની એક બેઠક બુધવારે બોલાવવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે 350 લોકોને બોલાવવામાં આવ્યા હતા, જેની સામે ફક્ત 40 નેતા હાજર રહ્યા હતા. શીર્ષ નેતૃત્વની મનમાની સામે એક નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે, કૉંગ્રેસ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. સોનિયા ગાંધી સુધી વાત પહોંચી

જૂના કાર્યકરોને યૂપીસીસીમાંથી કાઢવાની નારાજગી હવે કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સુધી પહોંચી છે. છેલ્લા 15 દિવસમાં આ અંગે બેઠક પણ થઈ ચૂકી છે. દબાયેલા અવાજમાં લોકોનું કહેવું છે કે પાર્ટીનું નવું નેતૃત્વ મનમાની કરી રહ્યું છે. કૉંગ્રેસના વફાદાર લોકોને ‘શિકાર’ બનાવવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે પ્રથમ બેઠક નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શિરાઝ મહેંદીના ઘરે બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા મહેંદીએ ઓક્ટોબરમાં પોતાનું રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું હતું. આ વખતે તેમણે જણાવ્યું હતું કે યૂપીની નવી ટીમોમાં એક પણ શિયાને સ્થાન મળ્યું નથી.

‘કૉંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી’

બીજી બેઠક 14મી નવેમ્બરના રોજ મળી હતી. આમ તો આ નેતાઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા હતા, પરંતુ આ દરમિયાન અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન એક નેતાએ પ્રિયંકા ગાંધી પર સીધો જ હુમલો કરતા કહ્યુ કે, કૉંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજી બેઠક પૂર્વ ધારાસભ્ય રંજનસિંહ સોલંકીના ઘરે મળશે. આ બેઠકમાં સોનિયા ગાંધીએ પોતાના પસંદગીના અમુક નેતાઓને ડેલિગેશન તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધીનો યુવાઓને કમાન સોંપવાનો પ્લાન બરાબર કામ નથી કરી રહ્યો. આ કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. હાલ કૉંગ્રેસમાં સંતુલનની જરૂર છે.