બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયા કલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં22 નવેમ્બરે પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે. પરંતુ ડે નાઇટ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને એક મોટી ચિંતા સતાવી રહી છે. હકીકતમાં ડે-નાઇટ ટેસ્ટમાં પિંક બૉલનો ઉપયોગ થશે અને ટીમ ઇન્ડિયાને પ્રેક્ટિસ દરમિયાન તે સમજાયુ છે કે સ્પિન અને રિવર્સ સ્વિંગમાં તે વધુ કારગર સાબિત નહી થાય. એક અહેવાલ અનુસાર ટીમ ઇન્ડિયા માટે પિંક બૉલ ચિંતાનો વિષય ચે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં બની શકે છે કે પિંક બૉલથી વધુ પ્રભાવ ન પડે પરંતુ મજબૂત ટીમો વિરુદ્ધ પિંક બૉલ એક મોટુ અંતર ઉભુ કરી શકે છે.
સ્પિન મોટી ચિંતા
આ ઉપરાંત ટીમને બૉલના કલરને લઇને પણ હજુ ચિંતા છે. અશ્વિને કહ્યું કે, તેઓ નથી જાણતા કે આ પિંક બૉલ છે કે ઓરેન્જ. જો કે બોર્ડના અધિકારીઓએ દાવો કર્યો છે કે બોલને રિવર્સ સ્વિંગ કરવામાં કોઇ મુશ્કેલી નહી આવે. બૉર્ડે જણાવ્યું કે, રિવર્સ સ્વિંગમાં મુશ્કેલી ન થાય, તેથી બૉલની સિલાઇ હાથથી કરાવવામાં આવી છે.
તેમ પણ કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને પિંક બૉલમાં વધુ મદદ મળી શકે છે પરંતુ રિવર્સ સ્વિંગ કરાવવો ખૂબ જ મુશ્કેલ થશે. સ્પિનની વાત કરીએ તો અડધો દિવસ લાઇટમાં મેચ રમાશે અને સાંજે ધુમ્મસના કારણે બૉલ ભીનો થવાથી સ્પિનર્સ માટે મુશ્કેલી ઉભી થશે. અત્યાર સુધી 14 ડે નાઇટ મેચ રમાઇ ચુકી છે, જેમાંથી 7 ઓસ્ટ્રેલિયામાં રમાઇ છે. ઓસ્ટ્રેલિયામાં ફક્ત અંતિમ સેશન દરમિયાન જ લાઇટ્સની જરૂર પડે છે જ્યારે ભારતની સ્થિતિ અલગ હશે.

