– ગાંધીનગરની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણે સંભારણા વાગોળ્યા
– ગરીબ બાળકોની મદદ કરવા હંમેશા તૈયાર રહું છું
અમદાવાદ, શનિવાર
ઓસ્ટ્રેલિયા સામેની ક્લાસિક ઈનિંગ્સને કારણે ભારતીય ક્રિકેટમાં અમર બની ગયેલા લેજન્ડરી બેટ્સમેન વી.વી.એસ. લક્ષ્મણે ભૂતકાળના સંભારણા વાગોળતાં કહ્યું હતું કે, જ્યારે હું ૧૭ વર્ષનો થયો ત્યારે મારી સામે કઈ કેરિયર પસંદ કરવી તે પ્રશ્ન આવીને ઊભો રહ્યો. આ તબક્કે મારા માતા-પિતાએ મને સલાહ આપી હતી કે, તું કોઈ પર પ્રોફેશન (વ્યવસાય) પસંદ કર તેનો અમને વાંધો નથી, પણ એક વાત હંમેશા યાદ રાખજે કે તારે, જે તે પ્રોફેશનમાં હોવાનું ગૌરવ નથી લેવાનું પણ તારે એવી સિદ્ધિ મેળવવાની છે કે, આખા પ્રોફેશનને તારા પર ગૌરવ થાય.
વર્ષ ૨૦૦૧માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ફોલોઓન થયેલા ભારતને લક્ષ્મણની ૨૮૧ રનની ક્લાસિક ઈનિંગે ઐતિહાસિક જીત અપાવી હતી. વેરી વેરી સ્પેશિયલ (વી.વી.એસ.) લક્ષ્મણ તરીકેની ઓળખ ધરાવતા વેંગીપુરાપુ વેંકટા સાઈ લક્ષ્મણે ગાંધીનગરના કોબા ખાતે સરકારી પ્રાથમિક સ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૃમ પ્રોજેક્ટના અનુસંધાનમાં યોજોયલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.
લક્ષ્મણે શાળાના બાળકો સાથે વાતચીત કરી હતી. તેની સાથે સાથે તેના અંગત જીવનના કેટલાક સંસ્મરણો પણ વાગોળ્યા હતા. લક્ષ્મણે કહ્યું હતું કે, હું ભાગ્યશાળી રહ્યો કે, મને ૧૬ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. જોકે નિવૃત્તિ બાદ હું ગરીબ બાળકો માટે કંઈક કરવા ઈચ્છતો હતો અને આવા બાળકોના શિક્ષણ માટે કામ કરવું એ ખરેખર ખુબ જ ગર્વની બાબત છે. ગરીબ બાળકોને ભણતરમાં મદદરૃપ થાય તેવા સ્માર્ટ ક્લાસ સહિતના અન્ય કામમાં મદદ કરવા માટે તૈયાર છું.
મારા દાદાએ હૈદરાબાદમાં ગીતાના પ્રચાર-પ્રસારમાં જીંદગી અર્પણ કરી
ભૂતકાળના સંભારણા વાગોળતા લક્ષ્મણે કહ્યું કે, મારા દાદા ખુબ જ ધનાઢ્ય હતા. તેમની પાસે ઘણા મોટા પ્રમાણમાં જમીન અને સંપત્તિ હતી. જોકે તેઓ ખુબ જ આધ્યાત્મિક વૃત્તિના પણ હતા. એક સમયે મારા દાદાને તેમના ગુરૃજીએ આદેશ કર્યો કે, હૈદરાબાદ જઈને ગીતાનો પ્રચાર-પ્રસાર કરો. ગુરૃજીના આદેશ બાદ મારા દાદાએ હૈદરાબાદ જઈને ભગવદ્ ગીતાને વધુ લોકભોગ્ય બનાવવાનું મહાકાર્ય શરૃ કર્યું. જોકે તેમાં તેઓ એટલા બધા ખૂંપી ગયા કે તેમણે ગીતા-યજ્ઞામાં પરિવારની જવાબદારીને પણ લગભગ સમર્પિત કરી દીધી. તે સમયે હૈદરાબાદમાં નિઝામનું રાજ હતુ અને આવી પરિસ્થિતિમાં મારા દાદાએ ત્યાં ગીતાની જ્યોતને વધુને વધુ પ્રજ્વલ્લિત કરવા કામ કર્યું હતુ.
ત્રીજા ધોરણમાં ભણતાં મારા પિતાને રેક્ટરે કહ્યું, જો તું પહેલો નંબર લાવીશ તો તારી ફી માફ
લક્ષ્મણેએ કહ્યું કે, મારો આદર્શ મારા પિતા છે અને તેઓ માત્રને માત્ર અભ્યાસના સહારે આગળ વધ્યા અને ડોક્ટર બન્યા. મારા દાદાએ હૈદરાબાદમા ગીતાના પ્રચાર-પ્રસારનો પ્રારંભ કર્યો પછી તેઓ ઘરની ઘણી જવાબદારીઓને ન્યાય ન આપી શક્યા. આ કારણે મારા પિતા પાસે તો સ્કૂલમાં ફી ભરવાના નાણાં પણ નહતા. મારા પિતા ત્રીજા ધોરણમાં હતા, ત્યારે નાણાંની અછતને કારણે તેઓ સમયસર સ્કૂલની ફી ભરી ન શક્યા અને શિક્ષકે તેમને ક્લાસમાંથી બહાર ઉભા રહેવા જણાવ્યું. આ સમયે સ્કૂલના રેક્ટર ફરતાં ફરતાં ત્યાં આવી પહોંચ્યા અને તેમણે મારા પિતાને બહાર ઉભેલા જોઈને પુછ્યું કે, ‘તું શા માટે ક્લાસમાં નથી ગયો ?’ મારા પિતાએ જવાબ આપ્યો કે,’ સર, મારી પાસે ફી ભરવાના નાણાં નથી.’ તો રેક્ટરે શરત મૂકી કે, ‘જો તું ક્લાસમાં પહેલા નંબરે આવીશ તો તારી ફી માફ.’
મારા પિતાએ તે દિવસથી લઈને એમ.બી.બી.એસ. અને એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસિન) થયા ત્યાં સુધી ભણવામાં પહેલો નંબર લાવવાનું જારી રાખ્યું હતુ. આજે તેઓ ૭૫ વર્ષના છે આમ છતા રોજ સવારે ૮.૦૦ થી લઈને સાંજે ૪.૦૦ સુધી દર્દીઓની સારવાર કરેછે અને છેક સાંજે ૪.૩૦ વાગ્યે આવીને જમે છે અને સાંજે ફરી ૬.૩૦ વાગ્યે નીકળી જાયતો રાત્રે પાછા ફરતાં ૯, ૧૦ કે ૧૧ પણ વાગી જાય. આ ઊંમરે પણ તેમનું કમિટમેન્ટ જબરજસ્ત છે. અભ્યાસ એક વ્યક્તિની અને તેના પરિવારની જિંદગીમાં કેટલું અજવાળું લાવી શકે તેનું બીજું ઉત્તમ ઉદાહરણ તો કયું હોઈ શકે ?
હું ગુજરાતી સારી રીતે સમજુ છું
કોબાની પ્રાથમિક સ્કૂલની વિદ્યાર્થીનીએ ગુજરાતીમાં તેના અનુભવને સ્ટેજ પર શેયર કર્યો હતો. જે અંગે પ્રતિભાવ આપતાં લક્ષ્મણે કહ્યું કે, હું ગુજરાતી સારી રીતે સમજુ છું. પાર્થિવ પટેલ અને ઈરફાન પઠાણ સહિતના ઘણા ગુજરાત સ્ટેટના ખેલાડીઓ સાથે રમી ચૂક્યો છું એટલે ગુજરાતી મારા માટે નવું નથી.
અભ્યાસ અંગેની વાત કરતાં લક્ષ્મણે કહ્યું કે, મારા પિતા ત્રીજા ધોરણમાં હતા, ત્યારે તેમણે તેમને આપેલા પકડારને ઝીલી લીધો હતો. જો બાળકોને પ્રોત્સાહન-પ્રેરણા મળે તો તેઓ અભ્યાસ થકી અસાધારણ સફળતા હાંસલ કરી શકે છે. શિક્ષણથી વિદ્યાર્થીની જીંદગી તો ઉજ્જવળ બનશે જ સાથે સાથે તેની વિચારધારા વિસ્તૃત થશે અને તેની સફળતા અન્યો માટે પ્રેરણારૃપ બની શકે. આમ, શિક્ષણથી આપણે વધુ બહેતર સમાજની રચના કરી શકીએ તેમ છીએ.

