રોહિતના લડાયક 133 છતાં ભારત ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે હાર્યું

ખેલ-જગત મુખ્ય સમાચાર

– હેન્ડસ્કોમ્બના 73, ખ્વાજા (59) અને માર્શ (54)ની અડધી સદી: રિચાર્ડસનની ચાર વિકેટ

– 289ના ટાર્ગેટ સામે ભારતના 254/9 : ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ

સીડની, તા.૧૨

ટોપ ઓર્ડરના ધબડકા છતાં રોહિત શર્માની ૧૩૩ રનની લડાયક ઈનિંગ તેમજ ધોની (૫૧) સાથેની તેની ૧૩૭ રનની ભાગીદારી પણ ટીમ ઈન્ડિયાને જીતાડી શકી નહતી અને ઓસ્ટ્રેલિયાએ સીડનીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડે ૩૪ રનથી જીતી લીધી હતી. હેન્ડસ્કોમ્બના ૭૩ તેમજ ખ્વાજા (૫૯) અને શોન માર્શ (૫૪)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ૨૮૮ રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારત શરૃઆતમાં જ ૪/૩ના સ્કોર પર ફસડાયું હતુ. જોકે રોહિતની સદી અને ધોનીની અડધી સદીને સહારે ટીમ ઈન્ડિયા ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૫૪ રન કરી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ સાથે ત્રણ વન ડેની શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. 

કેપ્ટન કોહલીએ જાધવ જેવા અસરકારક સ્પિન બોલિંગ ઓલરાઉન્ડને બદલે દિનેશ કાર્તિકને રમાડવાનો જે નિર્ણય લીધો હતો, તેની ઉગ્ર ટીકા થઈ હતી. ધોનીની ધીમી રમત પણ હાર બાદ ચાહકોમાં ચર્ચાનો વિષય બની હતી. ચાર વિકેટ ઝડપનારા રિચાર્ડસનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.  હવે શ્રેણીની બીજી વન ડે તારીખ ૧૫મી જાન્યુઆરીને મંગળવારે એડીલેડમાં રમાશે.

રોહિત-ધોની વચ્ચે ૧૩૭ રનની ભાગીદારીએ જીતની આશા જન્માવી

જીતવા માટેના ૨૮૯ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતની શરૃઆત કંગાળ રહી હતી. બેહરેન્ડોફે શિખર ધવન (૦)ને પ્રથમ ઓવરના આખરી બોલ પર આઉટ કર્યો હતો. જે પછી રિચાર્ડસને એક જ ઓવરમાં કોહલી (૧) અને રાયડુ (૦)ની વિકેટ ઝડપતાં ભારતને માત્ર ચાર જ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે પુત્રીના પિતા બન્યા બાદ પ્રથમ મેચ રમી રહેલા રોહિત શર્માએ એક છેડો સાચવી રાખતાં ઓસ્ટ્રેલિયન બોલરોની ધોલાઈ કરતાં જીતની આશા જીવંત રાખી હતી. રોહિતે કારકિર્દીની ૨૨મી સદી સાથે ૧૨૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ છગ્ગા  સાથે ૧૩૩ રન ફટકાર્યા હતા. જોકે તે આખરે સ્ટોઈનીસનો શિકાર બન્યો હતો. રોહિત-ધોની વચ્ચે ૧૩૭ રનની ભાગીદારી નોંધાઈ હતી. 

ધોનીના ૯૬ બોલમાં ૫૧ : ધીમી રમતથી ચાહકો નારાજ

સીડનીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતે માત્ર ૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવતા રોહિત શર્મા સાથે જોડાયેલા ધોનીએ વિકેટ પતન અટકાવતા ઈનિંગને સ્થિરતા આપી હતી. એક તરફથી રોહિતે આક્રમક બેટીંગ ચાલુ કરી હતી. જ્યારે ધોનીએ ખુબ જ ડિફેન્સીવ એપ્રોચ સાથે રમતાં ૯૬ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૧ રન નોંધાવ્યા હતા. તેણે અને રોહિતે ચોથી વિકેટમાં ૧૩૭ રન જોડયા હતા. ધોનીએ આશરે એક વર્ષ બાદ અડધી સદી ફટકારી હતી. જોકે શરૃઆતની સંભાળભરી રમત બાદ ધોની આક્રમક સ્ટ્રોક્સ ફટકારીને રનગતિ વધારી શક્યો હોત તેવું મંતવ્ય વ્યક્ત કરતાં કેટલાક ચાહકોએ તેની ટીકા કરી હતી.

જે. રિચાર્ડસનની ચાર અને સ્ટોઈનીસની બે વિકેટ

ઓસ્ટ્રેલિયાના યુવા ફાસ્ટ બોલર જેયે રિચાર્ડસને ટીમની જીતમા મહત્વનો ફાળો આપતાં ૨૬ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જેમાં એક જ ઓવરમાં ઝડપેલી કોહલી અને રાયડુની વિકેટ સામેલ હતી. તેણે દિનેશ કાર્તિક અને રવિન્દ્ર જાડેજાને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે સ્ટોઈનીસે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૪૩ બોલમાં અણનમ ૪૭ રન ફટકાર્યા હતા અને તેણે બે વિકેટ પણ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયાની બેટીંગ સુધરી : જાધવને પડતો મૂકાતા આશ્ચર્ય

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિન્ચે પ્રથમ વન ડેમાં ટોસ જીતીને બેટીંગ પસંદ કરી હતી. જોકે તેનું કંગાળ ફોર્મ જારી રહ્યું હતુ અને છ રનના વ્યક્તિગત સ્કોર પર તે ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. જે પછી કારેય (૨૪) પણ આઉટ થતાં ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં મુકાયું હતુ. જોકે ખ્વાજા અને માર્શની જોડીએ અડધી સદીઓ ફટકારતાં ત્રીજી વિકેટમાં ૯૨ રનની ભાગીદારી કરી હતી. હેન્ડસ્કોમ્બે ૬૧ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૭૩ રન નોંધાવ્યા હતા. હેન્ડસ્કોમ્બે શોન માર્શ સાથે ૫૩ રનની અને સ્ટોઈનીસ સાથે ૬૮ રનની ભાગીદારી કરી હતી. ભારતે જાધવ જેવા અસરકારક સ્પિન બોલિંગ ઓલરાઉન્ડને પડતો મૂકીને આશ્ચર્ય સર્જ્યું હતુ. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયા ૧૦૦૦મી મેચ જીતનારો વિશ્વનો સૌપ્રથમ દેશ

સીડનીમાં રમાયેલી ભારત સામેની શ્રેણીની પ્રથમ વન ડેમાં વિજય મેળવવાની સાથે ઓસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧,૦૦૦મી મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ મળીને ૧,૦૦૦ વિજય મેળવનારો દુનિયાનો સૌપ્રથમ દેશ બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ ઓવરઓલ ૧૮૫૨મી આંતરરાષ્ટ્રીય મેચ રમતાં ૧૦૦૦મી જીત હાંસલ કરી હતી. જ્યારે તેઓ ૫૯૩ મેચમાં હાર્યા છે અને ૧૩ મેચ ટાઈ કરી છે, જ્યારે તેમની ૩૬ મેચો અનિર્ણિત રહી છે. 

સ્મિથ-વોર્નર પરના પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયાની હાલત કથળી હતી. જોકે તેમણે જુલાઈ-૨૦૧૭ બાદ ૨૦મી વન ડે રમતાં ચોથો વિજય હાંસલ કર્યો હતો.