– ઓસ્ટ્રેલિયામાં પાંચ સદી ફટકારનારો પ્રથમ ભારતીય
– ૨૨મી સદી સાથે ગાંગુલીની બરોબરી કરી
સીડની, તા.૧૨
ભારતીય ઓપનર રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની સીડનીમા રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં ઝંઝાવાતી બેટીંગ કરતાં ૧૨૯ બોલમાં ૧૦ ચોગ્ગા અને ૬ છગ્ગા સાથે ૧૩૩ રન ફટકાર્યા હતા. આ સાથે રોહિત શર્માએ સતત છઠ્ઠી વન ડે શ્રેણીમાં સદી ફટકારવાનો અનોખો કીર્તિમાન હાંસલ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર તે પાંચમી સદી સાથે સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય પણ બની ગયો હતો. રોહિતે કારકિર્દીની ૨૨મી સદી સાથે ભારતીય ક્રિકેટમાં હાઈએસ્ટ સદી ફટકારવામાં ત્રીજા ક્રમે ગાંગુલીની બરોબરી કરી લીધી છે.
રોહિતે ડિસેમ્બર, ૨૦૧૭માં શ્રીલંકા સામેની વન ડે શ્રેણી દરમિયાન મોહાલીમાં ૨૦૮ રનની અણનમ ઈનિંગ રમી હતી. આ પછી સાઉથ આફ્રિકા પ્રવાસમાં રમાયેલી વન ડે શ્રેણીમાં ૧૩મી ફેબુ્રઆરી, ૨૦૧૮ના રોજ પોર્ટ એલિઝાબેથ વન ડેમાં તેણે ૧૧૫ રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમાયેલી વન ડે શ્રેણીમાં તેણે ૧૨મી જુલાઈએ નોટિંગહામમાં રમાયેલી વન ડેમાં ૧૩૭ રન નોંધાવ્યા હતા. આ પછી સપ્ટેમ્બર-૨૦૧૮માં રમાયેલા એશિયા કપમાં તેણે ૨૩મી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈમાં અણનમ ૧૧૧ રન નોંધાવ્યા હતા. ૨૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ગુવાહાટીમાં વિન્ડિઝ સામે તેણે અણનમ ૧૫૨ રનની ઈનિંગ નોંધાવી હતી. આ જ સિરીઝમાં તેણે ૨૯ ઓક્ટોબરે મુંબઈમાં ૧૬૨ રન નોંધાવ્યા હતા.
૭ : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર પાંચમી સદીની સાથે ઓસ્ટ્રેલિયાની સામે ઓવરઓલ સાતમી સદી ફટકારી હતી. આ સાથે તેણે બીજા ક્રમે રહેલા ડેસમંડ હેઈન્સને પાછળ રાખી દીધો છે.જેણે ઓસ્ટ્રેલિયા સામે૬૫ ઈનિંગમાં છ સદી ફટકારી છે. જોકે આ મામલે પ્રથમ ક્રમે તેંડુલકર છે, જેણે ૭૦ ઈનિંગમાં ૯ સદી ફટકારી છે.
૧૭૨૫ : રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ૧,૭૨૫ રન ફટકાર્યા છે. આ સાથે તે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં સૌથી વધુ રન ફટકારવામાં તે ત્રીજા ક્રમે આવી ગયો છે. ટોચના ક્રમે હજુ સચિન તેંડુલકર છે, જેના ૩,૦૭૭ રન છે. જ્યારે પોન્ટિંગ ૨,૧૬૪ રન સાથે બીજા ક્રમે છે.
ધોનીના ૧૦,૦૦૦ રન પુરા નોટઆઉટ હોવા છતાં આઉટ અપાયો
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર-બેટ્સમેન ધોનીએ આખરે નવા વર્ષે ૧૦,૦૦૦ રન પુરા કરવાની સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ઓસ્ટ્રેલિયા સામેની સીડનીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધોનીએ એક રન કરતાં જ ‘દસ હજારી’ કલબમાં સ્થાન મેળવી લીધું હતુ. તે ભારતનો પાંચમો એવો બેટ્સમેન બન્યો હતો કે, જેણે ૧૦,૦૦૦ કે વધુ રન ફટકાર્યા હોય. અગાઉ તેંડુલકર, ગાંગુલી, દ્રવિડ અને કોહલી વન ડેમાં૧૦,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરી ચૂક્યા છે.
ધોનીને ૯૬ બોલમાં ૫૧ રનના સ્કોર પર બેહરેન્ડોફની બોલિંગમાં લેગબિફોર વિકેટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. તે વખતે ભારત પાસે રિવ્યુ બાકી નહતો કારણ કે રાયડુએ તેની વિકેટ વખતે રિવ્યુ વેડફી નાંખ્યો હતો. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતુ કે, ધોની નોટઆઉટ હતો. જોકે ભારત પાસે રિવ્યુ ન હોવાથી અમ્પાયરનો નિર્ણય સ્વિકારવા સિવાય કોઈ વિકલ્પ નહતો.