તિહાર જેલમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને રાતે ઉંઘ આવી ન હતી. સવારે તેમણે પોતાના રૂમની બહાર વોકિંગ કર્યુ હતું. આ કેટલાક ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતાં. ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ જેલમાં બંધ પોતાના પિતાને મળવા આવ્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ સમગ્ર રાત જેલમાં બરાબર ઉંઘી શક્યા ન હતાં. તેમણે સવારે છ વાગ્યે નાસ્તામાં ચા, દૂધ, અને કાંજી લીધી હતી. ત્યારબાદ ચિદમ્બરમે ધાર્મિક પુસ્તકો અને ન્યૂઝ પેપર વાંચ્યા હતાં.
ચિદમ્બરમને તિહારમાં સાત નંબરની જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં સામાન્ય રીતે ઇડીના કેસો સાથે સંકળાયેલા આરોપીઓને રાખવામાં આવે છે. યુપીએ-2ના શાસનમાં ગૃહ પ્રધાન પણ રહી ચૂકેલા ચિદમ્બરમને આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ચિદમ્બરમ 16 સપ્ટેમ્બરે 74 વર્ષના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચિદમ્બરમ પોતાના જન્મદિવસે પણ જેલમાં જ હશે તેવી શક્યતા છે. તેમને એક અલગ સેલ અને વેસ્ટર્ન ટોઇલેટ સિવાય અન્ય કોઇ વિશેષ સુવિધા આપવામાં આવી નથી.અન્ય કેદીઓની જેમ ચિદમ્બરમને લાયબ્રેરી જવા અને થોડાક સમય માટે ટીવી જોવાની પણ પરવાનગી આપવામાં આવી છે. સેલની ફાળવણી કરતા પહેલા ચિદમ્બરમનું મેડીકલ ચેક અપ પણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના પુત્રને પણ ગયા વર્ષે 12 દિવસ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતાં. ગઇકાલે દિલ્હીની વિશેષ સીબીઆઇ કોર્ટના આદેશને પગલે ચિદમ્બરમને ભારે સુરક્ષાની વચ્ચ એશિયની સૌથી મોટી જેલ તિહારમાં લઇ જવામાં આવ્યા હતાં.ચિદમ્બરમને ઝેડ કક્ષાની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમને અલગ સેલ ફાળવવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીને ઓગસ્ટાવેસ્ટલેન્ડ અને બેંક છેતરપિંડી કેસમાં તિહારમાં સાત નંબરની જેલમાં જ રાખવામાં આવ્યા છે.