બાંગ્લાદેશ સામે રાજકોટમાં રમાયેલી બીજી ટી 20માં ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરીને જીત અપાવી હતી. જોકે રોહિત શર્મા બેટિંગની સાથે સાથે મેદાનમાં બનેલી એક ઘટનાને કારણે ચર્ચામાં આવી ગયો છે.
રોહિત શર્માએ થર્ડ અમ્પાયરના એક નિર્ણય પર મેદાન પર પિત્તો ગુમાવ્યો હતો અને થર્ડ અમ્પાયરને ગાળો આપી હતી. જેનો વિડિયો ક્રિકેટ ચાહકોમાં પણ વાયરલ થઈ રહ્યો છે.
બન્યુ એમ હતુ કે, બાંગ્લાદેશના બેટસમેન લિટન દાસને પહેલા પંતે સ્ટમ્પ આઉટ કર્યો હતો. જોકે પંતે બોલને સ્ટમ્પ પાછળની જગ્યાએ સ્ટમ્પની આગળથી કલેક્ટ કર્યો હોવાથી અમ્પાયરે નો બોલ જાહેર કર્યો હતો અને લિટન દાસને જીવતદાન મળ્યુ હતુ.
એ પછી ચહલની બોલિંગમાં સૌમ્ય સરકારનુ પંતે સ્ટમ્પિંગ કર્યુ હતુ. આ સ્ટ્મ્પિંગ તો બરાબર જ હતુ અને પંતે સ્ટમ્પ પાછળ જ બોલ કલેક્ટ કરીને બેઈલ્સ ઉડાવી હતી. જોકે એ પછી મેદાન પરના અમ્પાયરે આ બાબત ચેક કરવા માટે થર્ડ અમ્પાયરની મદદ માંગી હતી. થર્ડ અમ્પાયરે એક્શન રિપ્લે થકી ચેક કર્યુ હતુ. મેદાન પરના મોટા સ્ક્રીનમાં પણ આ જોઈ શકાતુ હતુ. આમ છતા થર્ડ અમ્પાયરે પહેલા સૌમ્ય સરકારને નોટ આઉટ જાહેર કરતા રોહિત અકળાઈ ગયો હતો. જોકે થર્ડ અમ્પાયરે બાદમાં સરકારને આઉટ જાહેર કર્યો હતો.
જોકે આ દરમિયાન રોહિત શર્માએ ટીવી અમ્પાયર તરફ ઈશારો કરીને ગાળો બોલી હતી. જે જોઈને ચાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા