કેન્દ્ર સરકારે 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સની વસૂલાત ફરજિયાત કરી દીધી છે. તેના માટે ટોલ પર ફાસ્ટાગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો 15 ડિસેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેને ડબલ ટોલ ચૂકવવો પડશે. ફાસ્ટેગનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ફાસ્ટેગની માન્યતા ખરીદી પછી 5 વર્ષ સુધીની છે. તમારે આ સમયગાળા દરમિયાન તેને રિચાર્જ કરાવતા રહેવું પડશે. ફાસ્ટેગને નેટબેંકિંગ, ક્રેટિડ/ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને અન્ય રીતે પણ રિચાર્જ કરી શકાય છે.
ફાસ્ટેગ કેવી રીતે કાર્ય કરે છે?
તે એક રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેગ છે જે વાહનના વિન્ડશિલ્ડ (આગળના કાચ) પર લગાવવામાં આવે છે, જેથી ગાડી જ્યારે ટોલ પ્લાઝા પરથી પસાર થાય તો પ્લાઝા પરનાં સેન્સર ફાસ્ટેગને રીડ કરી શકે. ત્યાં લાગેલાં ઉપકરણ ઓટોમેટિક રીતે ટોલ ટેક્સ વસૂલ કરી લેશે. તેનાથી ડ્રાઈવરનો સમય પણ બચશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના આંકડાના દર્શાવ્યા પ્રમાણે, વર્તમાનમાં દેશનાં 537 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે.
ક્યાંથી ખરીદી શકાય છે ફાસ્ટેગ ?
- નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પરથી
- SBI, HDFC, ICICI સહિતની બેંક પરથી
- ઓનલાઈન પ્લેટફોર્મ પેટીએમ, એમેઝોન પરથી
- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પરથી
- નેશનલ હાઈવે ઓથોરિટીની myfastag app દ્વારા
ફાસ્ટેગ ખરીદવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
- ગાડીનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ
- ગાડીના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ગાડીના માલિકના KYC ડોક્યુમેન્ટ, જેમ કે, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ
- ફાસ્ટેગ ખરીદતી વખતે આ તમામ દસ્તાવેજોની ઓરિજનલ કોપી સાથે રાખવી જરૂરી છે.
ફાસ્ટેગને બેંક અકાઉન્ટ સાથે કેવી રીતે લિંક કરવું? રિચાર્જ કેવી રીતે કરવું?
- ફાસ્ટેગ ખરીદતી વખતે myfastag appની મદદથી બેંક અકાઉન્ટ લિંક કરી શકાય છે. તેમાં યુઝરે વ્હિકલ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે, ત્યારબાગ ફાસ્ટેગ એક્ટિવેટ થઈ જશે. એપ પર યૂપીઆઈ પેમેન્ટ દ્વારા યુઝર પોતાના ફાસ્ટેગને રિચાર્જ કરી શકે છે.
- તેને પેટીએમ પરથી પણ ખરીદી શકાય છે. પેટીએમ પર વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપલોડ કરીને નવા ફાસ્ટેગ માટે અરજી કરી શકાય છે. તમામ ફાસ્ટેગ ગ્રાહકોને ટોલ પેમેન્ટ કરવા પર 2.5 ટકાનું કેશબેક પણ મળશે.
ફાસ્ટેગથી પાર્કિંગ અને ફ્યૂઅલની ચૂકવણી કરી શકાશે
- ટોલ ટેક્સ પર ટેક્સ વસૂલવા ઉપરાંત ફ્યૂલ પેમેન્ટ અને વાહન પાર્કિંગના ચાર્જ પણ ટૂંક સમયમાં દેશભરમાં ચૂકવી શકાશે. હૈદરાબાદ એરપોર્ટ પર તેની શરૂઆત થઈ ગઈ છે, જ્યાં પાર્કિંગ સહિત અન્ય ચાર્જ ફાસ્ટેગથી ચૂકવવામાં આવશે. તે ફાસ્ટેગ 2.0 નામથી ઓળખાશે. હૈદરાબાદમાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટ દિલ્હી એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.
- માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ફાસ્ટેગ 2.0 પાઈલોટ પ્રોજેક્ટ બે તબક્કામાં શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કો હકીકતમાં એક નિયંત્રિત પાઈલોટ પરીક્ષણ છે, જે અંતર્ગત ફક્ત ICICI ટેગનો ઉપયોગ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટના બીજા તબક્કામાં અન્ય બેંકો દ્વારા જારી કરવામાં આવેલ ટેગને કવર કરવામાં આવશે.
ફાસ્ટેગ સંબંધિત સમસ્યાઓ માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો
ફાસ્ટેગને લગતી ઘણી સમસ્યાઓ જેમ કે, ફાસ્ટેગ યોગ્ય રીતે સ્કેન ન થાય, ફાસ્ટેગને નુકસાન અથવા તૂટી જવા પર અથવા અકાઉન્ટમાં પૈસા હોય તો પણ ટોલ ચૂકવવામાં સમસ્યા થતી હોય તો તમે એક ફોન કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. નેશનલ હાઈવે ઓથોરિટીના નેશનલ હેલ્પલાઈન નંબર 1033 પર કોલ કરીને, અથવા હાઈવે ઓથોરિટીની વેબસાઈટ www.ihmcl.com અથવા MyFastTag મોબાઈલ એપ દ્વારા તમે ફાસ્ટેગ સાથે જોડાયેલી સમસ્યા વિશે જણાવી શકો છો.

