દેશના લોકો 2016ની નોટબંધીને જોઈ ચુક્યા છે. આજે આ નિર્ણયને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે સરકારમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ નાણા સચિવે 2000ની નોટો ચલણમાં રાખવાનો કોઈ અર્થ નથી તેવુ સૂચન સરકારને કર્યુ છે.
વીઆરએસ લેનારા પૂર્વ નાણા સચિવ સુભાષચંદ્ર ગર્ગનુ કહેવુ છે કે, ભવિષ્યમાં 2000ની નોટ સરકાર ચલણમાંથી દુર કરી શકે છે.
સુભાષચંદ્ર ગર્ગે 72 પાનની એક નોટમાં સરકારને વિવિધ સૂચનો આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, સરકાર ફિસ્કાલ મેનેજમેન્ટ માટે જે રીત રસમનો ઉપયોગ કરી રહી છે તે યોગ્ય નથી. વધારે પડતુ દેવુ ક્રેડિટ રેટિંગ પર મોટુ વિઘ્ન છે. સરકારની આવકનો મહત્વપૂર્ણ હિસ્સો આ લોન ચુકવવામાં જાય છે.
ગર્ગે 2000ની નોટો પર સૂચન આપતા કહયુ છે કે, 2000ની નોટોનો એક મોટો હિસ્સો ચલણમાં નથી. તે રોકી લેવામાં આવ્યો છે. નાણાકીય લેવડ દેવડમાં 2000ની નોટોનુ પ્રમાણ બહુ ઓછુ છે. આ નોટોને ચલણમાંથી બહાર કાઢી શકાય છે.
ગર્ગે આ ઉપરાંત ખાતર પરની સબસિડી પણ દુર કરવા માટે સૂચન કર્યુ છે. ઉપરાંત લેન્ડ મેનેજમેન્ટ કોર્પોરેશન બનાવવા માટે પણ સરકારને સલાહ આપતા કહ્યુ છે કે, ખોટમાં ચાલી રહેલા તમામ સરકારી નિગમો અને કંપનીઓની પ્રોપર્ટી આ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવી જોઈએ.

