કોરોના વાઈરસના કારણે ચીનની સ્થિતિ હજી સુધી સામાન્ય થઈ શકી નથી. ભારતે વુહાનથી ભારતીયોને લાવવા માટે વાયુસેનાનું વિમાન મોકલ્યું હતું. પરંતુ હજી સુધી ચીન ઓફિસર્સ તરફથી વિમાનને ક્લિયરન્સ નથી મળ્યું. ભારતીય ઓફિસરોનું કહેવું છે કે, દુનિયાના ઘણાં દેશો ચીનને મદદ અને તેમના નાગરિકો લાવવા માટે ફ્લાઈટ્સ મોકલી રહ્યા છે. દરેક દેશને ચીન મંજૂરી આપી રહ્યું છે પરંતુ ભારતીય રિલીફ ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવતી નથી. તેમની આ હરકતોથી લાગે છે કે, તેઓ ભારત પાસેથી મદદ લેવા માંગતા નથી.
ભારતીય ઓફિસરોનું એવું પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખીને ઈમરજન્સીમાં ચીન સરકાર અને લોકોની સાથે રહેવા અને દરેક સમયે મદદ કરવાની વાત કરી હતી.
ચીનમાં કુલ મૃત્યુઆંક 2345 થયો, 76,288 કેસ પોઝિટિવ
કોરોના વાઈરસના કારણે ચીનમાં વધુ 109ના મોત સાથે મૃત્યુઆંક 2345 થયો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 76,288 થયા છે. લેબનોન અને ઈઝરાઈલમાં કોરોના વાઈરસના પ્રથમ કેસ નોંધાયા છે. ઈરાનમાં વધુ બે લોકોના મોત સાથે મૃત્યઆંક ચાર થયો છે અને 18 પોઝિટિવ કેસ નોંધાય છે. ઈટાલીમાં પણ આ વાઈરસના કારણે પ્રથમ મોત થયું છે. સાઉથ કોરિયામાં 142 નવા કેસ સાથે કુલ કેસ 346 થયા છે.
WHOની ટીમ ચીન પહોંચી
વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ની 12 સભ્યોની ટીમ ચીન પહોંચી ગઈ છે. તેઓ અહીં કોરોના વાઈરસની તપાસ કરશે. ટીમ એ પણ તપાસ કરશે કે વાઈરસ કેવી રીતે ફેલાયો છે. માનવામાં આવે છે કે ટીમ વાઈરસથી સૌથી પ્રભાવિત શહેર વુહાનની પણ મુલાકાત લેશે. શરૂઆતમાં ટીમ માત્ર બેઈજિંગ, ગુઆંગડોન્ગ અને સિચુઆનમાં જવાની હતી. હુબેઈ અને તેનું પાટનગર વુહાન યાદીમાં નહતું. ચીનમાં અત્યાર સુધી કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ 28,659 લોકોને હોસ્પિટલથી ઘરે જવાની મંજૂરી આપી દેવાઈ છે.

