થરથરવા માંડશે પાકિસ્તાન, આ દેશ પાસેથી 33 યુદ્ધ વિમાનો ખરીદશે ભારતીય વાયુસેના

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન સાથે ભારે તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાએ 33 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. આમાંથી 21 મિગ-29 અને 12 સુખોઈ-30 યુદ્ધ વિમાન સામેલ છે. સરકારનાં સૂત્રોનાં કહ્યા પ્રમાણે આવતા કેટલાક અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક થવાની છે, જેમાં ભારતીય વાયુસેના 33 યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં છે.

ભારતે 21 મિગ-29 યુદ્ધ વિમાનો રશિયા પાસેથી ખરીદવાની યોજના બનાવી છે

હાલમાં જ ભારતીય વાયુસેનાનાં ઘણા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા, જેના કારણે યુદ્ધ વિમાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ નવા યુદ્ધ વિમાનોને વાયુસેનામાં સામેલ કરીને તેના ઘટાડાને દૂર કરવામાં આવશે. 12 સુખોઈ વિમાનો સામેલ થતા ભારતીય વાયુસેનાનાં સુખોઈ યુદ્ધ વિમાનોની સંખ્યા 272 થઈ જશે. ભારતે 21 મિગ-29 યુદ્ધ વિમાનો રશિયા પાસેથી ખરીદવાની યોજના બનાવી છે. રશિયાએ ભારતીય વાયુસેનાની યુદ્ધ વિમાનોની ઉણપને દૂર કરવા માટે નવા યુદ્ધ વિમાનો આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

આધુનિક ટેકનોલોજીથી લૈસ અને અપગ્રેડેડ હશે મિગ-29

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જે નવા યુદ્ધ વિમાનો ખરીદવાની યોજના છે, તે આધુનિક ટેકનોલોજીથી લૈસ અને અપગ્રેડેડ હશે. ભારતીય વાયુસેનાં પાસે મિગ-29 પહેલાથી જ સામેલ છે. નવા મિગ-29નાં રડાર અને અન્ય ઉપકરણો પણ આધુનિક માપદંડો અનુરૂપ હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ડીલ એડવાન્સ સ્ટેજમાં છે. ભારતીય વાયુસેના જલદીથી જલદી આ સોદાને અંતિમ ઓપ આપવાનાં પ્રયત્નમાં છે. ભારતીય વાયુસેનાનાં પાયલટ મિગ-29 ઉડાવવામાં પારંગત છે. જો કે રશિયા દ્વારા જે યુદ્ધ વિમાનો આપવાની રજૂઆત કરવામાં આવી છે તે પહેલાથી સામેલ મિગ-29 કરતા અલગ છે.

નૌસેના પણ મિગ-29 ‘K’ને ઉડાવે છે, પરંતુ આ યુદ્ધ વિમાનનો તેનો અનુભવ સારો નથી રહ્યો. લેન્ડ કર્યા બાદ આ યુદ્ધ વિમાનનું સેટિંગ બદલાઈ જાય છે. ભારતીય વાયુસેનામાં મિગ-29નાં 3 સ્વોડ્રન છે, જેને સમયે સમયે અપગ્રેડ કરવામાં આવે છે. ભારતીય વાયુસેના માટે આને ઘણું સારું વિમાન માનવામાં આવે છે.