ગુજરાતમાં કોંગો ફિવરનો હાહાકાર, એકસાથે 18 કેસ શંકાસ્પદ, 3નાં રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યમાં કોંગો ફીવરની દહેશતથી હાહાકાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબીમાં કોંગો ફિવરનાં કેસ નોંધાયા છે. મોરબીના હળવદમાં કોંગોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ચોંકાવનારી વાત છે કે, હળવદનાં કારખાનાનાં 15 લોકોમાં શંકાસ્પદ કોંગો વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 11 કામદારોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરના જામડીમાં કોંગો ફિવરનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. થોડા દિવસ પહેલાં જ જામડીની એક મહિલાનું કોંગો ફિવરનાં કારણે મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગરમાં 4 દિવસમાં 100થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરનાં 40થી વધુ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. તેમજ ભાવનગરના કમળેજમાં પણ 3 શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

મોરબીના હળવદની આશ્થા પોલીપેક નામક ખાનગી કંપનીના ચાર જેટલાં મજુરોને કોંગો ફીવર હોવાની શંકાએ ચેકઅપ અભિયાન હાથ ધરાયું હતુ. આ ચેકઅપ અભિયાનમાં તમામ મજૂરોનું ચેકઅપ કરાયું હતું. જેમાં 15 જેટલાં મજૂરો શંકાસ્પદ હાલતમાં જણાયા હતા. જ્યારે સોનાલ ગોડ (ઉં-22) અને જમાલ (ઉં-23) બંનેને કોંગો ફિવર પોઝિટિવ આવતાં તેઓને પણ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. હળવદમાં 15 શંકાસ્પદ વ્યક્તિઓમાં 12 લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને 3 લોકોને અમદાવાદમાં ખસેડાયા છે. આ ઉપરાંત કારખાનામાં એક વ્યક્તિનું મોત પણ કોંગો ફિવરથી થયું હોવાની ચર્ચા છે.

હળવદમાં આવેલ આ કારખાનામાં તમામ મજૂરો પરપ્રાંતિય છે. અને એકસાથે 15 જેટલાં શંકાસ્પદ કોંગો ફિવર વાયરસ જણાતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. મોરબી આરોગ્ય તંત્ર દ્વારા પોલીમર્સ પાસેથી ઇતરડીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આસપાસમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.