કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત મુલાકાત દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્ર(ગાંધીનગર લોકસભા બેઠક)માં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી. અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ ‘દિશા’ બેઠકમાં ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓ જેમકે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરે યોજનાઓના કાર્યોમાં થયેલી પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. આ બેઠકમાં અમિત શાહે મોડામાં મોડા 31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવા તેમજ ‘નળ થી જળ’ યોજના દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા આદેશ આપ્યો હતો.
‘નળ થી જળ’ યોજનામાં કોઈ ગામ કે ઘર લાભથી વંચિત ન રહેવા જોઈએ
ગૃહમંત્રીએ બેઠકમાં ઉજ્જવલા યોજનામાં કોઈ ઘર કે ઝૂંપડું લાભથી વંચિત ન રહી જાય, તેમજ દિનદયાળ ગ્રામ જયોતિ યોજનામાં કોઈ ગામ કનેકશન વિના ન રહે તથા ‘નળ થી જળ’ યોજનામાં કોઈ ગામ કે ઘર લાભથી વંચિત ન રહી જાય તે જોવા ખાસ ભાર મુક્યો હતો. જેને પગલે જિલ્લા કલેક્ટર એસ. લાંગાએ આ સમયગાળા પહેલા જ લક્ષ્યાંકો હાંસલ કરવા ખાતરી આપી હતી. અમિત શાહે સૂચન કર્યું હતું કે એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
અધિકારીઓએ નાની-મોટી બાધાઓ અંગે માહિતી આપી
‘દિશા’ અંતર્ગત જિલ્લાની સમીક્ષા સમિતિની બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય ઉપસ્થિત અધિકારીઓને અધ્યક્ષ સ્થાનેથી અમિત શાહે કેટલીક તાકીદ પણ કરી હતી. જિલ્લાના અધિકારીઓએ વિભાગદીઠ પ્રેઝન્ટેશનના માધ્યમથી યોજનાઓના અમલીકરણમાં થયેલી પ્રગતિ અને તેમાં પડી રહેલી નાની-મોટી બાધાઓ અંગે જિલ્લાની આ સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ અમિત શાહને માહિતી આપી હતી.
આયુષ્માન ભારતના લાભાર્થીને રહેઠાણથી 15 કિ.મી.ની મર્યાદામાં જ સુવિધાઓ મળવી જોઈએ
કેન્દ્રીય ગૃહમંત્રીએ જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે આયુષ્માન ભારતનો લાભાર્થી કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાના રહેઠાણ થી 15 કિ.મી.ની મર્યાદામાં જ હોસ્પિટલની સુવિધાઓ મેળવી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.