ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારતાં જ કોંગ્રેસની ચિંતા વધી જવા પામી છે. એકસમયે આ સીટ પર કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાના નામ પર સહમતી સાધી હતી, પરંતુ હવે કોંગ્રેસ તેમાં ફેરવિચારણા કરશે તેવી વિગતો છે. અમિત શાહની સામે કોંગ્રેસ કદાચ પાટીદાર ઉમેદવાર ઉતારે તેવી સંભાવના સેવાઈ રહી છે. આમ એક કાંકરે કોંગ્રેસ ગાંધીનગર સહિત તેની આજુબાજુની અમદાવાદ પુર્વ સહિત પાંચેક બેઠકનાં પરિણામ પર અસર પહોંચાડવાનો પેંતરો રચશે તેવી વાતો કરવામાં આવી રહી છે. જોકે આ તમામ વાતોને સી.જે.ચાવડાએ ફગાવી દીધી હતી અને અમિત શાહ સામે તેઓ પોતે જ લડશે તેવું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું અને આ આંદોલન અમિત શાહની સામે હતું. અને તેથી જ કોંગ્રેસ અમિત શાહની સામે પાટીદાર ઉમેદવારને ઉતારવાની વેતરણમાં છે. અગાઉ ડો. સી.જે.ચાવડાના નામ પર સહમતિ સંધાઈ હતી. અને તે નામ નક્કી જ હતું, રાધર નક્કી જ છે. ધારાસભ્ય સી.જે.ચાવડા પણ લોકસભાની ચુંટણી લડી લેવાના મુડમાં આવી ગયા છે અને તે માટેની તૈયારીઓ પણ શરૃ કરી દીધી છે. અમિત શાહનું નામ ગત ધુળેટીના પર્વની સાંજે જાહેર થયું ત્યાર પછી કોંગ્રેસના તમામ પત્તા ઉંધા પડયા હોય તેવું બન્યું છે. ત્યાર પછી કોંગ્રેસ હજુ સુધી ગુજરાતમાં એકપણ સીટના ઉમેદવાર જાહેર નથી કરી શક્યું. અગાઉ જે ચારેક ઉમેદવાર જાહેર કર્યા હતા તેમાં પણ ફેરફારની શક્યતા નકારી શકાતી નથી. આવતીકાલે દિલ્હી ખાતે વર્કીંગ કમિટીની બેઠક મળનાર છે. તેમાં ઉમેદવારોને લઈને ચર્ચા કરવામાં આવશે. ભાજપે ધુળેટીના દિવસે ૧૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ત્યારે ગુજરાતની એકમાત્ર ગાંધીનગર સીટ માટે અમીત શાહના જ નામની જાહેરાત કરી હતી. આ નામ સામે આવતાં જ અહીં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના જાણે કે તમામ પત્તા વિખેરાઈ ગયા જેવી સ્થિતી સર્જાઈ છે. ધારાસભ્ય ચાવડાએ તો તમામ વાતોને નકારી કાઢી છે અને તેઓ પોતે જ આ સીટના ઉમેદવાર છે તેવો દાવો કર્યો છે. તેઓએ છાતી ઠોક દાવો કર્યો છે કે, ઉમેદવાર બદલવાની કોઈ વાત જ નથી, તેઓએ ચુંટણી માટેની તૈયારીઓ પણ શરૃ કરી દીધી હોવાનું જણાવ્યું છે. તેઓએ એવું પણ કહ્યું હતું કે, કલોલ, સાણંદ અને ગાંધીનગર ઉત્તર પરથી કોંગ્રેસને સમર્થન છે. છતાં હવે જ્યારે કોંગ્રેસની સત્તાવાર જાહેરાત થાય ત્યારે જ છેક જઈ તમામ અટકળોનો અંત આવી શકશે.
