બે વર્ષમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન જેવી ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે: મુકેશ અંબાણી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આજે ગુરુવારે પંડિત દીનદયાલ ઉપાદ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટી (PDPU)ના 7માં પદવીદાન કાર્યક્રમમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, બે વર્ષથી પણ ઓછા ગાળામાં ભારત મોબાઇલ ઇન્ટરનેટ ડેટાના વપરાશમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોચી ગયું છે. આગામી 24 મહિનામાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT), બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિની અન્ય ટેક્નોલોજી અપનાવવામાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે.

નવી ટેકનોલોજીથી ખેડૂતોને અને નાના ઉદ્યોગોને ફાયદો થશે

મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ ખેડૂતોની આવક બમણી કરવા, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગસાહસિકોને સમૃદ્ધ બનાવવા, આપણા શહેરો અને ગામોને વધુ સ્માર્ટ બનાવવા માટે પણ મદદરૂપ થશે.

ભારત સરકાર PDPUને રૂ. 257 કરોડ આપશે
પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર તેના વિવિધ કાર્યક્રમો, રિસર્ચ, સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સહિતની કામગીરી માટે રૂ. 275 કરોડ ફાળવશે. આ ઉપરાંત અહી IRS અને PDPUની સંયુક્ત પહેલથી નવા કોર્સ પણ શરુ કરવામાં આવશે.

ગુજરાત સરકારે PDPU માટે વધુ જમીન ફાળવી

આ તકે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શરૂથી જ PDPUના વિકાસ માટે સક્રિય છે અને અમે ભવિષ્યના વિસ્તરણ માટે તાજેતરમાં જ યુનિવર્સિટીને વધુ જમીન પણ ફાળવી છે. આ સિવાય સરકાર તરફથી સમયાંતરે જરૂર મુજબ આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે.

PDPUને વિશ્વની ટોપ 100 યુનિવર્સીટીમાં લાવવાનો ઈરાદો

મુકેશ અંબાણી કે જે, PDPUના ગવર્નિંગ બોર્ડના ચેરમેન પણ છે તેમણે કહ્યું હતું કે, આ યુનિવર્સિટીને 12 વર્ષ થયા છે તેમ છતાં તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અભ્યાસક્રમ દેશ અને દુનિયાની ટોચની શૈક્ષણિક સંસ્થાઓથી ચડિયાતું છે. અમારા પ્રયત્નો એવા છે કે અમે આવતા 10 વર્ષમાં PDPUને વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીમાં સ્થાન અપાવીએ.