પટના હાઈકોર્ટના સિનીયર જજ જસ્ટિસ રાકેશ કુમારના એક નિર્ણયને ગુરુવારે 11 જજની બેંચે સસ્પેન્ડ કરી દીધો છે. જસ્ટિસ કુમારે એક નિર્ણયમાં લખ્યું હતું કે, લાગે છે કે હાઈકોર્ટ પ્રશાસન જ ભ્રષ્ટ ન્યાયિક અધિકારીઓને સંરક્ષણ આપે છે. ચીફ જસ્ટિસ એપી શાહની 11 સભ્યોની બેંચે કહ્યું કે, આ આદેશથી ન્યાયપાલિકાની છબી ખરડાઈ છે. બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ પાસે આવી અપેક્ષા ન હતી.
જસ્ટિસ કુમાર બુધવારે પૂર્વ આઈએએસ અધિકારી કેપી રમૈયાના કેસમાં સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના આદેશમાં ટીકા કરતા તેમણે લખ્યું કે, પટનાના જે એડીજી સામે ભ્રષ્ટાચારનો કેસ સાબિત થયો, તેને બરતરફ કરવાની જગ્યાએ સામાન્ય સજા કેમ આપવામાં આવી? હાઈકોર્ટના તત્કાલિન ચીફ જસ્ટિસ અને અન્ય સભ્યોએ ભ્રષ્ટાચાર સામેના મારા વિરોધને નજરઅંદાજ કરી દીધો હતો.
ચીફ જસ્ટિસે સુનાવણી પર પ્રતિબંધ લગાવ્યો
જસ્ટિસ કુમારે નીચલી કોર્ટમાં થયેલા સ્ટિંગ ઓપરેશન મામલાનું પર્સનલી ધ્યાન રાખીને તેની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાકેશ કુમારની સિંગલ બેંચે તમામ કેસોની સુનાવણીને અટકાવી દીધી હતી. નવા આદેશ સુધી જસ્ટિસ કુમાર સિંગલ બેંચ કેસોનું સુનાવણી કરી શકશે નહીં. જોકે, ડબલ બેંચના જે કેસોમાં તેઓ સામેલ છે, તેની સુનાવણી કરી શકશે.ચીફ જસ્ટિસે તેમણે નોટિસ પણ ફટકારી હતી.
જસ્ટિસ કુમારે પોતાના નિર્ણયમાં 4 સવાલ કર્યા હતા
1. હાઈકોર્ટમાંથી જામીન અરજી ફગાવ્યા બાદ નીચલી કોર્ટે રમૈયાને છોડી કેવી રીતે મુક્યો?
જસ્ટિસ રાકેશ કુમારે કહ્યું કે ,રમૈયાની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.આ તો ચોંકાવનારી વાત છે કે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી ફગાવ્યા અને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત ન મળી હોવા છતા છૂટા ફરી રહ્યા છે. આટલું જ નહીં તે નીચલી કોર્ટમાંથી નિયમીત જામીન લેવામાં પણ સફળ રહ્યા હતા. તેમણે આ પુરા પ્રકરણની તપાસ કરવાનો આદેશ પટનાના જિલ્લા તથા સત્ર ન્યાયાધીશને આપી દીધો છે. જસ્ટિસ કુમારે પોતાના આદેશમાં કહ્યું કે, જ્યારે હાઈકોર્ટે રમૈયાના આગોતરા જામીન ફગાવી દીધા,સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી, તો તેમને નીચલી કોર્ટમાંથી જામીન કેવી રીતે મળ્યા?
2.ભ્રષ્ટાચારનો કેસ સાબિત થઈ ગયો હોવા છતા પટનાના એડીજીને બરતરફ કેમ ન કરાયા?
જસ્ટિસ કુમારે પોતાના આદેશમાં રાજ્યની નીચલી કોર્ટ અને હાઈકોર્ટની કાર્યપ્રણાલી અંગે સવાલ કર્યા હતા. ભ્રષ્ટ ન્યાયિક અધિકારીઓને મળી રહેલા સંરક્ષણ પર કહ્યું કે, અનુશાસનાત્મક કાર્યવાહીમાં જે ન્યાયિક અધિકારીની સામે આરોપ સાબિત થઈ જાય તેને મારી ગેરહાજરીમાં ફુલકોર્ટની મિટિંગમાં બરતરફ કરવાની જગ્યાએ સામાન્ય સજા આપીને છોડી મૂકવામાં આવે છે. મેં વિરોધ કર્યો તો મને નજરઅંદાજ કરવામાં આવ્યો. આજ કારણે નીચલી કોર્ટના ન્યાયિક અધિકારી રમૈયા જેવા ભ્રષ્ટ અધિકારીને જામની આપવાની અસ્પષ્ટતા કરે છે.
3.સરકારી બંગલાઓ શણગારવા માટે ખોટા ખર્ચા શા માટે ?
જસ્ટિસ કુમારે આદેશ પ્રત્યે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ,પીએમઓ, કાયદા મંત્રાલય અને સીબીઆઈ નિયામકોને પણ મોકલવાનો આદેશ કર્યો. તેમણે જજના સરકારી બંગલાની જાળવણી પર થનારા ખર્ચાઓ પર પણ સવાલો કર્યા. કહ્યું કે, ટેક્સ પેયરના કરોડો રૂપિયા સજાવટ પર ખર્ચ કરાઈ રહ્યા છે.
4. સ્ટિંગમાં કોર્ટકર્મી લાંચ લેતા ઝડપાયા, અત્યાર સુધી એક પણ કેસ કેમ નથી કરાયો?
જસ્ટિસ કુમારે જણાવ્યું કે, પટના સિવિલ કોર્ટમાં થયેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન જાહેરમાં લાંચ લેતા કોર્ટ કર્મચારીઓને આખા દેશે જોયા છે. પરંતુ આવા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કર્મચારીઓ વિરોધ આજ સુધી એફઆઈઆર સુધી નોંધાઈ નથી, જ્યારે હાઈકોર્ટના જ એક વકીલે પીઆઈએલ દાખલ કરીને છેલ્લા દોઢ વર્ષથી એફઆઈઆર દાખલ કરાવવાની માગ કરી રહ્યા છે. જસ્ટિસ કુમારે સ્ટિંગ ઓપરેશનમાં પર્સનલી ધ્યન આપીને સીબીઆઈ તપાસ કરવાના આદેશ આપ્યા.
જસ્ટિસ કુમાર ચારા કૌભાંડમાં સીબીઆઈના વકીલ હતા
જસ્ટિસ રાકેશ કુમારે 26 વર્ષ હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. બિહાર સરકાર અને કેન્દ્ર સરકારના વકીલ રહી ચુક્યા છે. ચારા કૌભાંડમાં સીબીઆઈના વકીલ હતા. 25 ડિસેમ્બર 2009ના રોજ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા. 24 ઓક્ટોબર 2011ના રોજ સ્થાયી જજ બન્યા. તેઓ 31 ડિસેમ્બર 2020ના રોજ રિટાર્ડ થશે

