ગૂર્જર આંદોલનઃ ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

રાજસ્થાનમાં દાવાનળની જેમ ફેલાતા જતા ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અતિભારે અસર પહોંચી છે. જેને લઇને ઉત્તર ભારત તરફથી ગુજરાત આવતી-જતી ટ્રેનોના શિડયુલ ખોરવાઇ ગયા છે. ટ્રેનો ડાયવર્ટ કરતા તે ટ્રેનો ૧૨ કલાક સુધી મોડી ચાલી રહી છે. તો કેટલીક ટ્રેનોને તો રદ જ કરી દેવાની ફરજ પડી છે. રવિવારે પણ એકસામટી ૧૦ ટ્રેનો રદ રહેતા હજારો મુસાફરો પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. બાન્દ્રા ટર્મિનસથી ઉપડતી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ, ગોરખપુર, દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનો રદ રહી હતી. અગ્રષ્ટક્રાંતિ રાજધાની એક્સપ્રેસ, લખનઉંથી બાન્દ્રા ટર્મિનસ, નિઝામુદ્દીનથી બાન્દ્રા ટર્મિનસ સહિતની ટ્રેનો રદ રહેવા પામી હતી. ટ્રેનોના સંચાલન અંગેની જાણકારી રેલવેના હેલ્પલાઇન નંબર, વેબસાઇટ પરથી જાણીને મુસાફરી અંગેનો નિર્ણય લેવાનો અનુરોધ કરાયો હતો.