આઈએનએક્સ મીડિયા કેસમાં દોષીત કરાર આપ્યા બાદ ધરપકડ કરાયેલા પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સોમવારે કહ્યું કે આ કેસમાં અન્ય એક પણ અધિકારીઓની ધરપકડ ન થવી જોઈએ કારણ કે તે લોકોએ કંઈ જ ખોટું કામ નથી કર્યું. ચિદમ્બરમ તરફથી તેમના પરિવારજનોએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ટ્વીટ પોસ્ટ કરી છે.
ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ‘લોકો મને પૂછી રહ્યા છે કે આ કેસને સગેવગે કરનારાઓ અને આ પ્રક્રિયાને આગળ ધપાવનારા અધિકારીઓમાંથી એક પણ અધિકારીની ધરપકડ નથી કરવામાં આવી તો પછી ફક્ત તમારી ધરપકડ જ કેમ કરવામાં આવી છે. મારી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી પરંતુ મારા અધિકારીઓએ કંઈ પણ ખોટું કામ નથી કર્યું તેથી તેમની ધરપકડ કરવામાં ન આવે.’
નોંધનીય છે કે પી ચિદમ્બરમને ગુરૂવારે સાંજે તિહાર જેલમાં કેદ કરવામાં આવ્યા હતા અને જેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને એક અલગ રૂમ અને વેસ્ટર્ન ટોઈલેટ ઉપરાંત અન્ય કોઈ વિશેષ સુવિધાઓ નથી આપવામાં આવી. અન્ય કેદીઓની જેમ તેઓ પણ જેલના પુસ્તકાલયનો ઉપયોગ કરી શકે છે અને એક મર્યાદિત સમય સુધી ટીવી પણ જોઈ શકે છે. તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમને પણ ગયા વર્ષે આ જ કેસમાં તિહાર જેલના રૂમ નંબર 12માં કેટલાક દિવસ સુધી કેદ કરવામાં આવ્યો હતો. પી. ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં રાખવામાં આવશે.

