મોટેરા સ્ટેડિયમના 15 પાર્કિંગ પ્લોટમાં 5600 કાર-2100 બસનું પાર્કિંગ, ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવશે

ગુજરાત દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની અને વડાપ્રધાન મોદી સાથે આગામી 24 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતે આવનાર છે. આ મુલાકાતને લઈ મોટેરા સ્ટેડિયમની આસપાસ 15 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ ઈલેક્ટ્રોનિક કાઉન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવશે, જેનાથી પાર્કિંગની ખાલી જગ્યા અંગે માહિતી મળશે. આ 15 પાર્કિંગ પ્લોટમાં 5600 કાર, 2100 બસની સાથે દરેક પ્લોટમાં 300થી 500 ટૂ વ્હીલર પણ પાર્ક થઈ શકશે.

બે દિવસમાં 16 નવા રસ્તા બની જશે
જેને લઇ સરકારના અલગ અલગ વિભાગ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. ટ્રમ્પની મુલાકાતને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કામે લાગી ગયું છે. કોર્પોરેશન દ્વારા મોટેરા, વિસત ગાંધીનગર રોડ, સાબરમતી સહિતના આસપાસના 10 કિલોમીટર વિસ્તારના 16 રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં રસ્તાના કામો પૂર્ણ કરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે.

જાહેર જનતા માટે AMTS બસની પણ વ્યવસ્થા
મોટેરા સ્ટેડિયમની આસપાસ નક્કી કરેલા 15 જેટલા પાર્કિંગ પ્લોટ જેમાં અત્યાર સુધી શાક માર્કેટ અને સમ્પ સાઈટના ગાડીઓ વાળા રહેતા હતા તેમને હટાવી ત્યાં લેવલિંગ કરી પાર્કિગ પ્લોટ સરખા કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા કાર્યક્રમમાં આવનાર લોકો માટે સ્ટેડિયમમાં અને પાર્કિંગ પ્લોટમાં પીવાના પાણીની, મેડિકલ ટીમ, ફર્સ્ટ એઇડ કીટ અને મોબાઈલ ટોયલેટ વાનની સુવિધા ઉભી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાંથી કાર્યક્રમમાં આવનારા લોકોને લાવવા અને લઇ જવા માટે AMTS બસની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

ટ્રમ્પના રૂટનું સુશોભન કરવાની કામગીરી પૂરજોશમાં
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીને અમદાવાદના સ્ટેડિયમ અને ગાંધી આશ્રમના રૂટ સુધી ઝાકમઝોળ બતાવવા માટે સમગ્ર રૂટ પર લાઇટિંગ લગાવવામાં આવશે. રૂટ પર ફૂલ છોડ અને જરૂરી સુશોભન કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ગાંધીઆશ્રમ સુધી થનારા રોડ શો માટે સ્ટેજ બનાવવાની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમના રૂટ પર મોદી અને ટ્રમ્પને આવકારતા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવશે સમગ્ર રૂટ પર ફાયરબ્રિગેડની ગાડીઓ તહેનાત કરવામાં આવશે. રૂટ પરના દબાણો અને રખડતા ઢોર દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે