માલદિવમાં સાઉથ એશિયન સ્પીકર સમિટ યોજાઇ હતી, જેમાં દક્ષિણ એશિયાના જેટલા પણ દેશો છે તેમના સંસદના સ્પીકર જોડાયા હતા. આ સ્પીકરોમાં પાકિસ્તાનના નેશનલ એસેમ્બ્લી સ્પીકર કાસિમ સુરીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ ભારતે બહુ જ આક્રામકતાથી તેનો જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનના સ્પીકરની બોલતી બંધ કરી દીધી હતી.
અંતે પાક.ના મનસુબા અહીં પણ સાકાર નહોતા થઇ શક્યા. માલદિવના માલેમાં દક્ષિણ એશિયાના દેશોના સ્પીકરની આ સમિટ યોજાઇ હતી, જેમાં ભારત વતી રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકર હરીવંશ જોડાયા હતા. પાકિસ્તાને કાશ્મીરનો મામલો ઉઠાવતા જ હરીવંશે તેનો આક્રામક રીતે વિરોધ કર્યો હતો.
સાથે જવાબ આપતા પાકિસ્તાનને સંભળાવી દીધુ હતું કે જે દેશ પોતાના જ નાગરિકો પર અત્યાચાર કરતો હોય અને વિશ્વભરમાં આતંકવાદ ફેલાવતો હોય તેને અહીં આ સમિટમાં અહિંસા મુદ્દે બોલવાનો કોઇ જ મૌલિક અધિકાર નથી.પહેલા આતંકવાદનો ખાતમો કરો બાદમાં અહીં અહિંસાની વાતો કરજો.
ભારતે સાથે આ સમિટમાં પીઓકેનો પણ મામલો ઉઠાવ્યો હતો, ડે. સ્પીકર હરીવંશે જણાવ્યું હતું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે અને તેના વિષે અહીં બોલીને પાકિસ્તાન આ સમિટનો પોતાના મનસુબા માટે ઉપયોગ કરવા માગે છે જેને સ્વીકારવામાં નહીં આવે.
અમારા કાશ્મીરનો મામલો ઉઠાવનારૂ પાકિસ્તાન પીઓકેમાં જે અત્યાચાર કરી રહ્યું છે તે મુદ્દે કેમ મૌન છે? પીઓકે એટલે કે પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પણ ભારતનો જ ભાગ છે અને તેને 1947માં પાકિસ્તાને હથિયારોના જોરે પડાવી લીધુ હતું અને બાદમાં ત્યાંના નાગરિકો પર અત્યાચાર ગુજાર્યો હતો, આજે પણ પીઓકેના નાગરિકો પર પાક. સૈન્ય અને પોલીસ જુલમ કરે છે.
કાશ્મીરમાંથી 370 નાબુદ કરવામા આવી તે બાદ પાકિસ્તાન દ્વારા સતત આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે જોકે તેને કોઇ જ સફળતા નથી મળી રહ જેથી હવે તે જ્યાં પણ તક મળે છે ત્યાં રોદણા રોવા લાગે છે અને કાશ્મીરનો મામલો ઉઠાવે છે. આ જ પ્રકારનો પ્રયાસ તેણે માલેમાં યોજાયેલી આ સમિટમાં પણ કર્યો હતો જોકે ભારતે આકરો વિરોધ કરતા પાક.નું કઇ જ નહોતુ ચાલ્યું. સાથે ભારતે પીઓકેનો મામલો પણ આ સમિટમા ઉઠાવી લીધો હતો.