મુંબઈ: મુંબઈના ડોંગરી વિસ્તારમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગ વિશે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બિલ્ડિંગને બીએમસી તરફથી જ 2017માં જોખમી જાહેર કરવામાં આવી હતી. પરંતુ આ ચેતવણી પછી પણ આ બિલ્ડિંગમાં ઘણાં પરિવાર રહેતા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે. આ દરમિયાન બીએમસીનો એક પત્ર સામે આવ્યો છે જેમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.
સાત ઓગસ્ટ, 2017માં જાહેર કરવામાં આવેલી આ નોટિસમાં કેસરબાઈ નામની આ બિલ્ડિંગને BMCએ C-1 જાહેર કરી હતી. તે સમયે આ બિલ્ડિંગને ખાલી કરીને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે સાથે જ BMC તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે, જો આ બિલ્ડિંગમાં કોઈ પણ દુર્ઘટના થશે તો તે માટે બીએમસી જવાબદાર નહીં ગણાય.
નોંધનીય છે કે, મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં કેસરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો મંગળવારે બપોરે ધરાશાયી થઈ ગયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીધ શાહ દરગાહની પાછળ છે. બિલ્ડિંગમાં અંદાજે 10-12 પરિવારો રહેતા હતા. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે પણ બિલ્ડિંગમાં 40-50 લોકો હતા તેવી શક્યતા છે.
મુખ્યમંત્રીએ આપ્યો તપાસનો આદેશ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. દુર્ઘટના પછી તેમણે નિવેદન આપ્યું છે કે, આ બિલ્ડિંગ 100 વર્ષ જૂની છે. અહીંના રહેણાંક લોકોને આ બિલ્ડિંગને રિડેવલપ કરવાની મંજૂરી મળી હતી. જોકે અત્યારે અમારુ ફોકસ લોકોને બહાર કાઢવાનું છે. જ્યારે બધી વાત સામે આવશે ત્યારે તેની તપાસ કરાવવામાં આવશે.
દુર્ઘટના પછી વિપક્ષે કર્યા પ્રહાર
દુર્ઘટના પછી વિપક્ષે સરકાર પર આકરા પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. AIMIMના ધારાસભ્ય વારિસ પઠાણે આ ઘટનાને દુર્ઘટના નહીં પરંતુ હત્યા ગણાવી છે. તેમણે કહ્યું છે કે, હું છેલ્લાં પાચ વર્ષથી જર્જરિત બિલ્ડિંગોનો મુદ્દો ઉઠાવી રહ્યો છું. મેં ઘણી વાર વિધાનસભાની અંદર પણ સવાલ ઉઠાવ્યા છે. હંમેશા સરકાર તરફથી આશ્વાસન જ આપવામાં આવ્યું છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

