દેશમાં એક તરફ સંખ્યાબંધ રાજ્યોમાં વરસાદ ખેંચાવાના કારણે દુકાળની પરિસ્થિતિ છે, ત્યારે બિહાર સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે 70 લાખ લોકો પ્રભાવિત થયા છે, અને 44 લોકોના મોત થયા છે.
આસામના 33માંથી 31 જિલ્લાના 43 લાખ નાગરિકો પૂરના સકંજામાં છે. આસામમાં 15 લોકોના મોત થયા છે. બિહારમાં 12 જિલ્લાના 25 લાખ લોકોને પૂરની અસર થઈ છે. બિહારમાં 24 લોકોએ પૂરના કારણે જીવ ગૂમાવ્યા છે.
બિહારમાં પૂરનુ કારણ નેપાળમાં ભારે વરસાદ છે. બિહારના પૂર્વી ચંપારણ, મોતિહારી, પૂર્ણિયા, કિશનગંજ, દરભંગા જેવા વિસ્તારો પૂરના કારણે પાણીમાં છે.
મેઘાલયમાં પણ સતત સાત દિવસથી પડી રહેલા વરસાદના પગલે સવા લાખ લોકો પૂરના ભરડામાં છે. બ્રહ્મપુત્રા અને જિંજિરામ નદીઓના પાણી ઘણા વિસ્તારમાં ફરી વળ્યા છે.
મિઝોરમમાં પણ આઠસો પરિવારોનુ પૂરના કારણે બીજે સ્થળાંતર કરવુ પડ્યુ છે. મિઝોરમમાં સોમવાર સુધીમાં પાંચ નાગરિકોના મોત થયા છે. ત્રિપુરામાં 15000 લોકો પૂરના કારણે બેઘર થયા છે. જેમને સરકારી શિબિરોમાં આશરો અપાયો છે. ખાસ કરીને પશ્ચિમ ત્રિપુરામાં પૂરના કારણે ખાનાખરાબી થઈ છે.
એનડીઆરએફ દ્વારા રાહત કાર્યો માટે આખા દેશમાં 119 ટીમો તૈનાત કરાઈ છે. દરેક ટીમમાં 45 સભ્ય છે અને આસામમાં લગભગ 3000 લોકોને આ ટીમોએ બચાવ્યા છે.
બિહારમાં 1 લાખ જેટલા નાગરિકોને રાહત શિબિરમાં ખસેડાયા છે.

