શહેરમાં કોરોના વાયરસના કહેરમાં ખરા અર્થમાં વધારો થઇ રહયો હોય તેમ મ્યુનિ. સંચાલિત એસવીપી હોસ્પિટલમાં કોરોના પેશન્ટને રાખવાની અને સારવારની ક્ષમતા લગભગ પૂરી થવા આવી છે અને હવેથી નવા કોરોના પેશન્ટને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.
મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ ઉપર મુજબની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, એસવીપી હોસ્પિટલમાં સૌપ્રથમ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો, પરંતુ જેમ જેમ દર્દીઓની સંખ્યા વધતી જતી હતી તેમ તેમ બેડની સંખ્યા વધારતાં રહયા હતા. હાલ એસવીપીમાં એક હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની સામે ૬૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને ૧૫૦ જેટલાં શંકાસ્પદ દર્દીઓ પણ છે. એટલુ જ નહીં દરરોજ જુદા જુદા વિસ્તારોમાંથી પેશન્ટ આવી રહ્યાં છે તે જોતાં હવે એસવીપીમાં કોરોનાની સારવાર માટે નવા દર્દી દાખલ કરી શકાય તેમ નથી, તો સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની સુવિધા સામે હજુ ૫૪૭ જેટલાં દર્દી દાખલ છે તેથી એસવીપીમાં આવતાં નવા પેશન્ટને હવે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
આ ઉપરાંત મ્યુનિ. દ્વારા અન્ય ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની સારવાર માટે માન્યતા આપવામાં આવી છે તેમજ પોઝિટિવ હોય પણ તંદુરસ્ત જણાતાં દર્દીઓને હોસ્પિટલમાં રાખવાને બદલે કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહયાં છે. સૌથી મોટા સમરસ હોસ્ટેલ ખાતેનાં કેર સેન્ટરમાં ૫૯૧ દર્દીઓને રાખવામાં આવ્યાં છે. તેમજ અન્ય તૈયારીઓ કરી રાખવામાં આવી છે.
SVPમાં 699 દર્દી સારવાર હેઠળ : 93ની હાલત ગંભીર
મ્યુનિ.ની એસવીપી હોસ્પિટલમાં ૬૯૯ જેટલાં કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં ૯૩ની હાલત ગંભીર બનતાં ૭૧ને ઓક્સિજન ઉપર અને ૨૨ને વેન્ટીલેટર ઉપર રાખવા પડયાં છે. આ સિવાય છેલ્લા ૨૪ કલાકમાં નવા ૭૭ શંકાસ્પદ દર્દીને દાખલ કરાયા હતા. ૯૫ દર્દીનાં રિપોર્ટ પોઝિટિવ અને ૪૧નાં નેગેટિવ આવ્યાં છે. હજુ ૩૮ રિપોર્ટ પેન્ડીંગ છે. એસવીપીમાંથી આઠ દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતે મોકલાયા છે. વધુ આઠ દર્દી સાજા થઇ જતાં તેમને રજા આપી હતી.
નવા ડે.કમિશનર રાણાને સમરસનો હવાલો સોંપાયો
મ્યુનિ.તંત્રમાં ડે.કમિશનર તરીકે નવા નિમાયેલાં આઇએએસ અધિકારી દિલીપકુમાર રાણાને કોરોના પોઝિટિવ પણ તંદુરસ્ત જણાતાં દર્દીઓને રાખવા માટે તૈયાર કરાયેલી સમરસ હોસ્ટેલ ખાતે મેનેજમેન્ટની કામગીરી સોંપવામાં આવી છે.