ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવી રહી છે Coronaની વેક્સીન, સફળતા મળી તો ઓક્ટોબર સુધી ભારતમાં પણ મળશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

વેક્સીન બનાવનારી કંપની સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ કહ્યું છે કે ઓફ્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine)નું તેઓ બે-ત્રણ સપ્તાહમાં પ્રોડક્શન શરૂ કરી દેશે. જો આ વેક્સીનનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી વેક્સીન બજારમાં આવી જવાની આશા છે. પુણે સ્થિત કંપની સેરમ ઇન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા એ સાત વૈશ્વિક કંપનીઓમાં સામેલ છે જેની સાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વેક્સીન ઉત્પાદન માટે પાર્ટનરશીપ કરી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, અમારી ટીમ ઓફ્સફર્ડ યુનિવર્સિટીના ડૉ. હિલની સાથે મળી કામ કરી રહી છે. પહેલા 6 મહિના ઉત્પાદનની ક્ષમતા પ્રતિ માસ 50 લાખ વેક્સીનની રહેશે. ત્યારબાદ અમે ઉત્પાદન વધારીને પ્રતિ માસ એક કરોડ વેક્સીન કરી દેવાની આશા છે.

સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા પહેલા પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીની સાથે મલેરિયા વેક્સીન પરિયોજના પર કામ કરી ચૂકી છે. પૂનાવાલાએ કહ્યું કે, અમને કોવિડ-19 વેક્સીન સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી બજારમાં આવવાની આશા છે. શરત માત્ર એટલી જ છે કે પરીક્ષણ આવશ્યક સુરક્ષા તથા પર્યાપ્ત પ્રભાવની સાથે સફળ થઈ જાય. અમે આગામી બેથી ત્રણ સપ્તાહમાં આ વેક્સીનનું પરીક્ષણ ભારતમાં શરૂ કરી દઈશું.

વેક્સીનનું ઉત્પાદન પુણે સ્થિત ફેક્ટરીમાં કરવામાં આવશે

કંપનીએ કહ્યું કે, ભારતમાં આ વેક્સીનનું પરીક્ષણ શરૂ કરવા માટે જરૂરી મંજરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. પૂનાવાલાએ જણાવ્યું કે, હાલની સ્થિતિને ધ્યાને લઈ અમે આ પ્રયાસને જાતે ફાઇનાન્સ કર્યું છે. અમને આશા છે કે ઉત્પાદન વધારવામાં અમને અન્ય ભાગીદારીથી પણ સહયોગ મળશે. તેઓએ કહ્યું કે વેક્સીનનું ઉત્પાદન પુણેની ફેક્ટરીમાં કરવામાં આવશે. કોવિડ-19ની વેક્સીન બનાવવા માટે જો અલગથી યૂનિટ ઊભું કરવામાં આવે તો તેમાં બેથી ત્રણ વર્ષ લાગી જશે.