અમદાવાદઃ બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, સાબરમતીમાં બે પાકા કામના કેદીને કોરોના

ગુજરાત મુખ્ય સમાચાર

અમદાવાદમાં કોરોનાનો પંજો હવો હોટસ્પોટ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પડ્યો છે. પૂર્વ અમદાવાદ ખાતેના બહેરામપુરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શહેરના કોર્પોરેશનના અન્ય કોર્પોરેટરમાં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રોની મતે સાબરમતી જેલમાં પાકા કામના બે કેદીઓને પણ કોરોના થયો હોવાનું જણાયું છે. જેલ તંત્ર દ્વારા કોરોના રિપોર્ટ કરાવતા બન્ને પાકા કામના કેદીઓને કોરોના થયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

અમદાવાદમાં કોરોના વાયરસનો હાહાકાર હવે હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યો છે. સોમવારે અમદાવાદમાં કુલ 197 કેસ નોંધાયા હતા જે પૈકી 70 જેટલા કેસ ચાલી વિસ્તારમાં નોંધાયા હતા. આ ચાલી વિસ્તારમાં બહેરામપુરા, મેમનગર સ્થિત ગોપાલનગર, અસારવામાં કડિયાની ચાલી વગેરેનો સમાવેશ થાય છે.

કોરોના વાયરસની ઝપેટમાં સાબરતમી સેન્ટ્રલ જેલના હેડ કોન્સ્ટેબલ આવ્યા બાદ હવે બે પાકા કામના કેદીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કેદીઓમાં કોરોના ફેલાતા જેલ તંત્રમાં પણ ગભરાટ ફેલાયો છે.

કોંગ્રેસના બહેરામપુરાના મહિલા કોર્પોરેટરને શ્વાસ લેવામાં તકલીફ થવાથી તેઓ હોસ્પિટલ ગયા હતા જ્યાં કોરોના રિપોર્ટ કરાવતા તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.