અમદાવાદ, વડોદરામાં કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા, ગુજરાતમાં કુલ પાંચ કેસ નોંધાય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાઇરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાત પણ કોરોના વાઇરસથી અછુતુ નથી રહ્યું. ગુરૂવારના રોજ કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા બાદ આજે ત્રણ નવા કેસ સામે આવ્યાં છે. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે આ અંગે જાહેરાત કરી છે.
ભારતમાં કોરના વાઇરસના કેસો વધી રહ્યાં છે ત્યારે બુધવાર સુધી ગુજરાતમાં એકેય કેસ નોંધાયો નહતો. ગુરૂવારના રોજ ગુજરાતમાં સુરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયા હતા. ત્યારે બીજા દિવસે એટલે આજે વડોદરમાં એક જ્યારે અમદાવાદમાં બે પોઝિટીવ કેસ સામે આવ્યું છે.

આજે નોંધાયેલા ત્રણેય કેસની હિસ્ટ્રી તપાસતા તમામ દર્દીઓ વિદેશથી આવેલા હોવાનું ખુલ્યું છે. ગઇ કાલે સુરતમાં પોઝિટીવ કેસ ધરાવતો દર્દી યુકેથી, રાજકોટનો પોઝિટીવ દર્દી મક્કાથી જ્યારે આજે નોંધાયેલા કેસમાં વડોદરાનો દર્દી સ્પેનથી પરત આવ્યો હતો જ્યારે અમદાવાદમાં બે કેસ નોંધાયા છે જેમાં એક યુવતિ ફિનલેન્ડ અને બીજી યુવતિ ન્યુયોર્કથી આવી હતી.

ભારતમાં કોરોનાથી ચોથું મોત

ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો 197એ પહોંચ્યો છે. જેમાં સારવાર બાદ સાજા થયેલા 20 લોકોનો પણ સમાવેશ થાય છે.

દેશમાં મોટાભાગે આંશિક તાળાબંધીની સ્થિતિ

દેશમાં કોરોનાથી વણસી રહેલી પરિસ્થિતિને પગલે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આંશિક તાળાબંધીની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કાલકમાં કોરોનાના નવા ૨૦ કેસ નોંધાયા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે 22મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પંજાબમાં હેલ્થ એડવાઈઝરી જાહેર

પંજાબમાં એક વૃદ્ધનાં મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઈઝરી જાહેર કરતાં 65 વર્ષથી વધુ વયના લોકો અને 10 વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે.

આ રાજ્યમાં ગુરૂવારે પહેલો કેસ નોંધાયો

ગુજરાત, છત્તીસગઢ અને ચંડીગઢમાં ગુરુવારે કોરોના વાઇરસના પહેલા દર્દીઓ નોંધાવાની સાથે દેશમાં કોરોના વાઈરસના 22 નવા કેસો નોંધાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોરોના વાઈરસ સતત ફેલાઈ રહ્યો છે, જેને પરિણામે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.