સોશિયલ મિડીયામાં મિત્રતા બાંધી હનીટ્રેપ ગોઠવીને લોકોને ફસાવતી ગેંગને ઝડપી પાડવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી હતી. ઇડર પોલીસે ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત કુલ ૧૧ આરોપીઓને ઝડપી લઇ સુરત, પાટણ, મોડાસા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં પ્રતિષ્ઠિત વ્યકિતઓને હનીટ્રેપમાં ફસાવી કરોડો રૂપિયા પડાવી લેવાની કબૂલાત કરતા તમામ આરોપીઓની અટકાયત કરી પોલીસે સઘન પુછપછર હાથ ધરી છે.
ઇડર તાલુકાના ફિચોડ ગામના કલ્પેશકુમાર અમરતલાલ પટેલે ઇડર પોલીસ મથકમાં તા.૧૮ માર્ચના રોજ ફરિયાદ આપી હતી કે તા.૧૨ માર્ચના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર કોઇ રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પરથી કોઇ યુવતીએ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી અને પોતે ઇડર તાલુકાના ભાણપુર ગામની ગૃહિણી હોવાની ઓળખ આપીને મિત્રતા કરી હતી. કલ્પેશે પણ ફેસબુક ફ્રેન્ડ બનેલી આ યુવતી સાથે મેસેજોની આપ- લે કરતા હતા તે દરમિયાન અચાનક રીન્કુ પટેલ નામના યુઝર આઇ.ડી. પર વિડીયો કોલ કરી વિશ્વાસમાં લઇ ખેડબ્રહ્મા મળવાનું કહેતા બીજા દિવસે તા.૧૩ માર્ચે વિજયનગર ત્રણ રસ્તા મળવા ગયો હતો.
જયાં રીન્કુ પટેલ અને તેની સાથે બીજી યુવતી કલ્પેશકુમારની ગાડીમાં બેસીને ગયા હતા. વેરાબર કાકલેશ્વર મહાદેવ રોડ પર ગાડી ઉભી રાખી એકાદ કલાક જેટલી વાતચીત કરીને વિજયનગર ત્રણ રસ્તા પાસે આ બંને યુવતી ઉતરી ગઇ હતી ત્યારબાદ સાંજે સાતેક વાગે કલ્પેશના મોટાભાઇ પિયુષ પટેલ પર ફોન આવ્યો હતો કે તમારા ભાઇ પર બળાત્કારની ફરિયાદ લઇને રાજુભાઇ વકીલ દાતાવાળા તથા એક મહિલા પત્રકાર તેમની સાથે આવેલ છે તો તમે વડાલી ખાતે આવી જાવ તેવી વાત કરતા કલ્પેશ અને તેના પિતા વડાલી ખાતે રાજુ વકીલ દાતાવાળાને મળવા ગયા હતા જયાં તેઓને રાજુ વકીલ સાથે રહેલ એક ઇસમે પોતાની ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના અધિકારી તરીકેની ઓળખાણ આપી હતી.
આ ઉપરાંત એક મહિલાએ પોતે પ્રેસ રીપોર્ટર હોવાની ઓળખાણ આપી રીન્કુ નામની યુવતી, તેનો પતિ, તેની માતા અને તેની બહેનપણીએ ભેગા મળી કલ્પેશ પટેલ પર બળાત્કાર અંગેની ફરિયાદ વડાલી પોલીસ મથકમાં કરવાની ધમકીઓ આપી હતી. જેથી કલ્પેશના પિતા અમરતલાલ પટેલને ગભરાવી તેમની પાસેથી રૂા.૫૦ હજાર લઇ લીધા હતા અને સમાધાન કરવા માટે વધારાના રૂા.૧૦ લાખની માગણી કરી હતી અને બે-ચાર દિવસમાં જ આ રૂા.૧૦ લાખની વ્યવસ્થા કરી આપવાની ધમકી આપી હતી અને રાજુ વકીલ વારંવાર પૈસાની માગણી કરતો હતો. તા.૧૯ માર્ચના રોજ ૮ વાગે ગમે ત્યાંથી રૂા.૧૦ લાખ લઇને આવવાની વાત કરતા કલ્પેશ અને તેના પિતા અમરતલાલે ઇડર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન મુજબ ઇડર પોલીસ ઇન્સપેકટર પી.એલ.વાઘેલાએ ટીમો બનાવી વિજયનગર ત્રણ રસ્તા નજીક છટુક ગોઠવી મુખ્ય ત્રણ આરોપીઓને રૂા.૧૦ લાખ લેવા આવતા ઝડપી લીધા હતા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી ૧૧ આરોપીઓની ટોળકીને ઝડપી લીધી હતી.
બ્લેકમેઇલ કરતા 11 આરોપીઓની ધરપકડ કરાઇ
– ગેંગનો સુત્રધાર રાકેશ કોદરભાઇ પટેલ (રહે.જાંબુડી, તા.હિંમતનગર ) – અંજના ઉર્ફે સંગીતા ઉર્ફે કિસ્મત કોદરસિંહ ચંપાવત (રહે.રૂદરડી, તા.ઇડર ) – શૈલેષકુમાર સુરેશભાઇ પટેલ (રહે.નવા, તા.હિંમતનગર) # ભારતીબેન ઉર્ફે રીન્કુ સરેન્દ્રસિંહ ચૌહાણ (રહે.નરોડા અમદાવાદ) – યતિન્દ્રસિંહ ભાનુપ્રતાપસિંહભાટી (રહે.નરોડા, અમદાવાદ) – મેરૂનીસા રફીકભાઇ શેખ (રહે.આર.ટી.ઓ. નજીક હિંમતનગર) – કાજલ ઇન્દુભાઇ પ્રજાપતિ (રહે.ભાણપુર, તા.ઇડર) – પટેલ ગિરીશભાઇ ઇશ્વરભાઇ (રહે.રતનપુર, તા.ઇડર) – ધર્મિષ્ઠાબેન ચંપકલાલ રાણા (રહે.નરોડા, અમદાવાદ) – અંકિતાબેન પ્રકાશભાઇ રાણા (રહે.નરોડા, અમદાવાદ) – જયોતિકાબેન રમણલાલ ભટ્ટ (રહે.ગાંધીનગર)
ખોટી ઓળખ આપી ફેસબુકનો ઉપયોગ કરતા હતાં
ગેંગનો મુખ્ય સુત્રધાર રાકેશ કોદરભાઇ પટેલ વકીલ હોવાની ખોટી ઓળખ આપીને ફેસબુકનો ઉપયોગ કરી છોકરીઓને પૈસાની લાલચ આપી પોતાની સાથે કામ કરાવતો હતો, જયારે અંજના પોતાની ખોટી ઓળખાણ મહિલા પત્રકાર કે મહિલા કાર્યકર તરીકેની આપી રાકેશની સાથે જ આ કામમાં મદદ કરતી હતી. જયારે હિંમતનગર તાલુકાના નવા ગામનો શૈલેષ પટેલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપીને પોલીસનો ખોટો ભય બતાવી નાણાં પડાવતો હતો.

