સીરિયા છોડતા પહેલાં USએ વિસ્ફોટકોથી પોતાના જ એર બેઝનો સફાયો કર્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકી સશસ્ત્ર દળોએ ઉત્તરી સીરિયાના અલ-હસાકા પ્રાંતમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેતા પહેલા અને એર બેઝ છોડતા પહેલા તેનો વિનાશ કર્યો હતો. હકીકતે અમેરિકી ફોજ તે એર બેઝને છોડીને જઈ રહી હતી અને માટે જ એર બેઝને ખાલી કરતા પહેલા સૈનિકોએ બોમ્બવર્ષા કરીને તેને નેસ્તનાબુદ કર્યું હતું.

એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ તાલ તમ્રના શહેર પાસે આવેલી તાલ બડાર વસતીમાં પરિવહન વિમાનોના લેન્ડિંગ માટેની સુવિધાઓ ઉપરાંત પોતાના સૈન્ય ઠેકાણાઓ ઉપર બોમ્બવર્ષા કરીને પાયાગત માળખાઓ નષ્ટ કર્યા હતા.

આ વિસ્તારમાં અમેરિકા સમિર્થત કુર્દ દળો અને તુર્કી સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ અમેરિકી સેના હાલમાં અસ-સબેહ ડેમ પાસે અલ-હસકાહમાં વધુ એક બેઝ છોડવાની તૈયારી કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સેનાએ ગત સાત ઓક્ટોબરના રોજ પોતે ઉત્તરી સીરિયામાંથી પોતાની સેના પાછી બોલાવી રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેના બે દિવસ પહેલા જ તુર્કીએ તે વિસ્તારમાં કુર્દો વિરૂદ્ધ સૈન્ય અભિયાનની શરૂઆત કરી હતી જે અંકારા માટે વિનિમેય હતી. તે સમયે વ્હાઈટ હાઉસે અમેરિકા તુર્કીના કોઈ અભિયાનમાં સમર્થન આપવા કે સામેલ થવાની સિૃથતિમાં ન હોવાની જાહેરાત કરી હતી.

એક સપ્તાહ બાદ અમેરિકી રક્ષા સચિવ માર્ક એરિજોનાએ તેઓ ઉત્તરી વિસ્તારમાંથી વધારાના 1,000 સૈનિકોને પાછા બોલાવી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. સાથે જ અમેરિકા પોતાના સૈનિકો વિરોધી સેનાઓના સંઘર્ષમાં ફસાય તેવું નથી ઈચ્છતું તેવી સ્પષ્ટતા કરી હતી.