મુંબઈ તેલિબિયાં બજાર આજે મહારાષ્ટ્રમાં ચુંટણીના પગલે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે નવા વેપારો નહિંવત હતા. વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો નજીકની ડિલીવરીમાં ૧૦ તથા ૪ પોઈન્ટનો સુધારો જ્યારે દૂરની ડિલીવરીમાં ૧ તથા ૫ પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યો હતો. ત્યાં પામ પ્રોડકટના ભાવ આજે અઢી ડોલર ઉંચકાયા હતા. દરમિયાન આજે મળેલા નિર્દેશો મુજબ મલેશિયાથી પામતેલની થતી આયાત પર રોક લગાડવા સોલ્વન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાએ આયાતકારોને અપીલ કરી છે.
દરમિયાન, અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદા આજે પ્રોજેકશનમાં સાંજે ચાર પોઈન્ટ પ્લસમાં રહ્યાના વાવડ હતા. દરમિયાન, ઘરઆંગણે આજે બંધ બજારે કરન્સીમાં ડોલરના ભાવ રૂપિયા સામે નરમ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૦૫૦ બોલાઈ રહ્યા હતા.
જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૧૦૬૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૬૨૦થી ૧૬૭૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ આજે રૂ.૭૬૫થી ૭૬૮ વાળા વધી રૂ.૭૭૦થી ૭૭૨ રહ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં કપાસીયા તેલના ભાવ રૂ.૮૨૦ રહ્યા હતા. દરમિયાન, કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ નિકાસ વધારવા નિકાસ પ્રોત્સાહનોની માગ કરવામાં આવી છે. ઉપરાંત મંડી ટેક્સ દૂર કરવા પણ સરકાર સમક્ષ માગ કરાઈ છે.
દેશમાં આ વર્ષે રૂનો નવો પાક બમ્પર આવવાની આશા છે. જોકે નિકાસ માટે સહાય અપાશે તો સરકારને મહેસુલી આવકમાં આશરે છ અબજ રૂપિયાની આવક ગુમાવવી પડે તેમ છે પરંતુ સામે બજાર ભાવ ઘરઆંગણે ઉંચા આવશે તો સરકારને ટેકાના ભાવોએ ઓછી ખરીદી કરવી પડશે એવું અકોલા ખાતે મળેલી મિટિંગમાં સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતમાં રૂનો પાક આ વર્ષે આશરે ૩૬૦થી ૩૮૦ લાખ ગાંસડીનો અંદાજાઈ રહ્યો છે. દેશમાં ઓક્ટોબરથી નવી મોસમ શરૂ થઈ ગઈ છે. કોટન કોર્પોરેશન દ્વારા આશરે ૮૦થી ૧૦૦ લાખ ગાંસડી રૂની ખરીદી કરાશે એવી શક્યતા ચર્ચાઈ રહી છે. અકોલા ખાતે કોટન ઈન્ડિયા કોન્ફરન્સ ૨૦૧૯નું આયોજન તાજેતરમાં થયું હતું. રૂની નિકાસ વધારવાના પ્રશ્ને દિલ્હીમાં કેન્દ્રના કોમર્સ મિનિસ્ટરને રજુઆત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કોટન જીનર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ રાજ્યમાં મંડી ટેક્સ દૂર કરવા પણ માગ કરાઈ છે. આમ કરાશે તો ખેડૂતોને રાહત થશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રશ્ને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનને વાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ૧૦૦ કિલોદીઠ અડધોથી એક ટકો મંડી ટેક્સ રાખવામાં આવ્યો છે અને આવો ટેક્સ દૂર કરાશે તો ખેડૂતોને ૧૦૦ કિલોદીઠ રૂ.૫૦તી ૭૦ની બચત થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી સોમવારે પુરી થઈ છે અને હવે રાજ્યમાં મંડી ટેક્સ દૂર કરવા વિશે ટૂંકમાં જાહેરાત થવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.
બંધ બજારે આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના રૂ.૭૧૦ તથા રિફાઈન્ડના રૂ.૭૪૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૭૦ તથા રિફાઈન્ડા રૂ.૮૧૫ બોલાતા હતા.
પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૩૫ વાળા રૂ.૬૩૮ જ્યારે જેએનપીટીના રૂ.૬૩૦ વાળા રૂ.૬૩૪ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૯૫ રહ્યા હતા. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૫૦ વાળા રૂ.૫૫૨ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ૪.૪૦ ટકા ઘટી ૯૦૩૬૪૫ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં રૂ.૯૪૫૨૪૧ ટન થઈ હોવાનું એસજીએસના આંકડામામાં જણાવાયું હતું.
મલેશિયામાં ૨૦ દિવસમાં ઉત્પાદન આશરે ૩થી ૪ ટકા ઘટયું છે. દરમિયાન, ઘરઆંગણે સોયાતેલની આવકો આજે બપોરે દેશવ્યાપી ધોરણે આશરે પાંચ લાખ ૮૫ હજાર ગુણી નોંધાઈ હતી. જે પૈકી મધ્ય પ્રદેશમાં આવી આવકો આશરે ચાર લાખ ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ ભેજવાળા માલોના જાતવાર રૂ.૩૧૦૦થી ૩૨૦૦ તથા ઉંચામાં રૂ.૩૬૦૦થી ૩૬૨૫ રહ્યા હતા. ત્યાં આજે સોયાતેલના ભાવ બપોરે રૂ.૭૧૩થી ૭૧૮ તથા રિફાઈન્ડના રૂ.૭૫૨થી ૭૧૮ તથા રિફાઈન્ડના રૂ.૭૫૨થી રહ્યા હતા.
દરમિયાન, મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૬૦ હજાર ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૭૫ હજાર ગુણી નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૮૦૦થી ૮૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૦૦થી ૧૦૧૦ રહ્યા હતા.