આગામી બે મહિનામાં કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગીની સંભાવનાઓ

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસમાં મતભેદોના ખુલાસાઓએ પાર્ટીના ભવિષ્ય સામે સવાલો ઉભા કરી દીધા હતા, આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી હતી. પદ છોડવાની પોતાની જાહેરાત પર અડગ ઉભા રહેલા રાહુલ ગાંધીના વિકલ્પને શોધવા માટે કોંગ્રેસમાં ધમાસાણ મચેલું છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટી આવતા બે મહિનામાં રાહુલ ગાંધીના વિકલ્પની પસંદગી કરી લેશે. ગાંધી પરિવારે પણ સ્પષ્ટતા કરી હતી કે, આ હરોળમાં પ્રિયંકા ગાંધીને ખેંચવામા ન આવે. ગાંધી પરિવારની સ્પષ્ટતા પછી ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના આગામી અધ્યક્ષ ગાંધી પરિવારથી નહી હોય. કોંગ્રેસ હાલમાં એવા નામો પર મંત્રણા કરી રહી છે, જેના માટે ગાંધી પરિવારની મૌક સંમત્તિ હોય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પણ સ્વીકાર્ય હોય. આ મામલે ભારતના રાજકારણમાં અનેક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, પદ છોડવાના અડગ નિર્ણયને કારણે કોંગ્રેસ હાલમાં નેતૃત્વવિહીન છે અને કેટલાક રાજ્યોમાં અનુશાસનભંગની ઘટનાઓ વધવાના અહેવાલ પણ છે. દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયને લાગે છે કે, આ મામલાનો જલ્દીથી ઉકેલ જ પાર્ટીના હિતમાં રહેશે. આ પહેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સંસદમાં જવાબદારી લેવા માટે તૈયાર છે, પરંતુ પાર્ટી એક મહિનાની અંદર નવા અધ્યક્ષની નિમણૂક કરી લે. ઉલ્લેખનીય છે કે, રાહુલે 25મેની CWC બેઠકમાં લોકસભા ચૂંટણીમાં નિરાશાજનક હાર માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજકારણમાં પરિવારવાદને લઇને રોષ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીએ હારની નૈતિક જવાબદારી લેકા પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસે તેમના નિર્ણયનો સ્વીકાર કર્યો ન હતો.