ટ્રમ્પના આગમન પૂર્વે ગાંધીનગરમાં આંદોલનનો રાફડો

ગુજરાત મુખ્ય સમાચાર

રાજય સરકાર દ્વારા એલઆરડી મહિલા અનામત મુદ્દે ચાલતા વિવાદ સહિતના આંદોલનો ઠારવા ભરપૂર પ્રયાસો છતાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી આંદોલનોથી ધમધમી રહી છે. એકતરફ સરકારી તંત્ર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા માટે તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે અનામત વર્ગ, ટાટના ઉમેદવારો, આદિવાસી સમાજ, માલધારી સમાજ, એલઆરડી પુરુષ ઉમેદવારો અને અન્ય સંગઠનોના અલગ અલગ આંદોલનોને સમર્થન સહિત એક પછી એક આંદોલનો ચાલુ રહેવા પામ્યા છે.

એલઆરડી મહિલા અનામતમાં સરકારે બેઠકો વધારીને ઉકેલ આવે તે માટે પ્રયાસ કર્યા બાદ પણ ટ્રમ્પના આગમનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આંદોલનોથી ધમધમી રહી છે. ૧-૮-૨૦૧૮નો પરિપત્ર નાબૂદ કરવાની માગણી સાથે એસસી-એસટી ઓબીસી સમાજનું આંદોલન ચાલુ છે. મંગળવારે સચિવાલયમાં મુખ્ય સચિવ અનિલ મુકિમને મળીને અનામત વર્ગના આંદોલનકારીઓએ પરિપત્ર બહાર પાડનારા નાયબ સચિવ જ્વલંત ત્રિવેદી સામે પગલા લેવા માગણી કરી હતી. તે સાથે એવી પણ ચીમકી આપી હતી કે, જો ૨૪ કલાકમાં તેમની સામે કાર્યવાહી નહીં કરાય તો રાષ્ટ્રીય અનુસૂચિત આયોગમાં અધિકારી સામે ફરિયાદ કરવામાં આવશે. અગાઉ પણ અધિકારી સામે વિવિધ આક્ષેપો કરતી અરજી ગાંધીનગર પોલીસમાં કરાયેલી છે. એલઆરડી પરિપત્ર મુદ્દે હાઇકોર્ટમાં સરકારે કરેલી રજૂઆત અંગે પ્રતિભાવ આપતા આંદોલનકારી પ્રવિણ રામે એવો આક્ષેપ કર્યો હતો કે, સરકારે ઠરાવ રદ કર્યો નથી તેમ છતાં તે  ઠરાવ રદ કર્યો હોય તેવી રજૂઆત કરીને હાઇકોર્ટને પણ ગેરમાર્ગે દોરી રહી છે.

કારડિયા, નાડોદા, ભાથી સહિતના રાજયના એવા રાજપૂત સમાજના ફીરકાઓ જેમનો અનામત વર્ગમાં સમાવેશ થાય છે તેમના દ્વારા પણ અનામત આંદોલનકારીઓને પરિપત્ર રદ કરવાની માગમાં સમર્થન અપાયું હતું. તેમના અગ્રણી કાનભા ગોહિલે કહ્યું હતું કે, ૧૪૬ જ્ઞાતિઓનું આંદોલનને ઠરાવ રદ કરવા માટે સમર્થન છે. જો રદ નહીં થાય તો આ જ્ઞાતિઓને એક મંચ ઉપર બોલાવીશુ. તે પછી જે પરિણામ આવે તે માટે સરકારે તૈયારી રાખવી પડશે. આદિવાસીના ખોટા પ્રમાણપત્ર લઇને સરકારી નોકરી મેળવી લેનારાના પ્રમાણપત્ર રદ કરીને નોકરીઓમાંથી હાંકી કાઢવાની માગ સાથે આંદોલન ચલાવી રહેલા આદિવાસી સમાજના આંદોલનમાં પરંપરાગત વસ્ત્રોમાં સેંકડો આદિવાસીઓ જોડાયા હતા. તેમણે આદિવાસી નૃત્ય કરીને સરકારને તાત્કાલિક ગેરકાયદે પ્રમાણપત્રો ઉપર લાભ મેળવતા લોકોને નોકરીમાથી દૂર કરવા માગણી કરી હતી. તેની સામે માલધારી સમાજે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું.

બીજી તરફ ટાટ પાસ ઉમેદવારોની પણ લાંબા સમયથી મેરિટ જાહેર નહીં થતા અને ભરતી નહીં કરાતા ધીરજ ખૂટી ગઇ હોય તેમ મેદાને ઉતર્યા હતા. ટાટ પાસ ઉમેદવારોનું અલ્ટીમેટમ પૂર્ણ થતા તેમણે સરકાર તાત્કાલીક ભરતી કરે તેવી માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું.

એલઆરડીમાં મહિલા ઉમેદવારો માટે સરકારે બેઠકો વધાર્યા બાદ નારાજ પુરુષ ઉમેદવારોએ પણ ધરણા કર્યા હતા. તેમણે એવી માગણી કરી હતી કે સરકારે લિંગભેદ રાખ્યા વિના પુરુષ ઉમેદવારો માટે પણ બેઠકો વધારીને અમને નોકરી આપવી જોઇએ. બિન અનામત વર્ગના આંદોલનકારીઓ દિનેશ બાંભણિયા વિગેરેએ સરકારમાં મળીને એલઆરડી મુદ્દે કરેલી જાહેરાત અને પરિપત્રને રદ નહીં કરવા બદલ આભાર માન્યો હતો.