સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ માટે બનાવવામાં આવેલી સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બોબડે પેનલને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં આરોપ લગાવનાર મહિલાએ ઘણાં સવાલ ઉભા કર્યા છે. મહિલાએ પેનલને લખ્યું છે કે, તેની વાત સાંભળ્યા વગર જ તેના ચરિત્રને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તે સાથે જ લખ્યું છે કે, કાયદા પ્રમાણે આ ઈન હાઉસ તપાસ પેનલમાં કોઈ મહિલા સભ્ય અથવા બહારની વ્યક્તિને પણ સામેલ કરવામાં આવી નથી. બીજી બાજુ શનિવારની સુનાવણી દરમિયાન જજ અને કાયદાકીય અધિકારીઓએ મહિલાના આ આરોપોને એક કાવતરુ ગણાવ્યું છે.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં આ કેસમાં સુપ્રીમ કોર્ટના એક વકીલે દાવો કરતા સુનાવણી કરવામાં આવી હતી. વકીલ ઉત્સવ બેંસે દાવો કર્યો હતો કે, સીજેઆઈ વિરુદ્ધ કાવતરુ ઘડવામાં આવ્યું છે અને તેની પાસે આ વિશે પુરાવા છે. વકીલે કોર્ટમાં પુરાવા રજૂ કરતાં કહ્યું હતું કે, સીજેઆઈને બદનામ કરવા માટે મને પણ રૂ. 1.5 કરોડની ઓફર કરવામાં આવી હતી. વકીલે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા પુરાવા જોયા પછી સીબીઆઈ પ્રમુખ, આઈબી પ્રમુખ અને દિલ્હી પોલીસ કમિશ્નરને બોલાવવામાં આવ્યા હતા.
ચીફ જસ્ટિસ વિરુદ્ધ લાગેલા આરોપો પાછળ સુપ્રીમકોર્ટમાં કેટલાક ફિક્સરો સક્રિય છે એ વાતનો ઉલ્લેખ કરતા જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું હતું કે અમે આ આરોપોના મૂળ સુધી જઈશું. ઉત્સવ બેંસના દાવા પ્રમાણે, જો ન્યાયતંત્રમાં ફિક્સરો સક્રિય છે તો આ સંસ્થા અને અમે નહીં બચીએ. ઉત્સવ બેંસની એફિડેવિટ સામે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સવાલ ઉઠાવ્યા હતા, જેથી સુપ્રીમકોર્ટે બૈંસને નવી એફિડેવિટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો. આ મુદ્દે ગુરુવારે પણ સુનાવણી કરવામાં આવશે. બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે આ સુનાવણીથી સીજેઆઈ વિરુદ્ધ આરોપોની તપાસ કરી રહેલી ઈનહાઉસ કમિટીનું કામ પ્રભાવિત નહીં થાય.

