ભારતભરમાં દિવાળીના તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક થાય છે. દિવાળી પહેલા આવતી ધનતેરસનું પણ વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ પર ખાસ પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે ધન અને આરોગ્ય માટે ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનો પર્વ 25 ઓક્ટોબર રોજ ઉજવાશે. માન્યતા છે કે ધનતેરસ પર ખાસ વસ્તુઓની ખરીદી કરવાથી સૌભાગ્ય વધે છે. કઈ કઈ છે આ વસ્તુઓ ચાલો જાણીએ આપણે…
ધનતેરસના દિવસે ધાતુની ખરીદીનું ખાસ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે ધાતુની ખરીદી કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે. પરંપરા એવી છે કે લોકો ધનતેરસના દિવસે સોનું, ચાંદી જેવી ધાતુ ખરીદતા હોય છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લોકો પોતાની ક્ષમતા અનુસાર સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ઘરેણા, લક્ષ્મીજીની મૂર્તિ જેવી વસ્તુઓ ખરીદે છે.
જો કે જે લોકો સોનું તેમજ ચાંદી ખરીદી ન શકે તેમના માટે પણ ધનતેરસ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ દિવસે તાંબાની ખરીદી કરવાથી પણ ભાગ્યવૃદ્ધિ થાય છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં તાંબાના પાત્રની ખરીદી કરવી શુભ ગણાય છે. તાંબાના પાત્રનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. જો કે ખાસ ધ્યાન રાખવું કે ધનતેરસના દિવસે શીશું, લોખંડ અથવા એલ્યુમિનિયમની ખરીદી કરવાથી બચવું જોઈએ.
શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો. આ દિવસે જ સમુદ્રમંથનમાંથી ધનવંતરી અમૃત કળશ અને આયુર્વેદ લઈને પ્રકટ થયા હતા. આ કારણે જ ભગવાન ધનવંતરી ઔષધીના જનક તરીકે ઓળખાય છે.

