ચીનમાં જીવલેણ કોરોના વાયરસને કારણે 812 લોકોના મોત થઈ ગયા છે. જાપાનનના યોકોહામા સ્થિત ક્રૂઝ શિપ ડાયમંડ પ્રિસેંજમાં હવે ત્યાંની સરકાર સેના મોકલવાની તૈયારી કરી રહી છે. એક સ્ટાફના જણાવ્યા મુજબ, લોકોને બહાર કાઢવા માટે અને સેફ્ટી પ્રોટોકોલ પૂરા કરવા માટે સેનાને બોલાવવામાં આવી છે. ક્રૂઝ પર હાજર એક ભારતીયએ ફેસબુક પર વીડિયો શેર કરીને મદદ માગી હતી. ક્રૂઝ પર 138 ભારતીય છે જેમાં 132 ક્રૂ મેમ્બર્સ અને 6 યાત્રી છે.
શિપ પર કોરોના વાયરસથી 64 લોકો સંક્રમિત થયા છે. જો કે તેમાં એકપણ ભારતીય સામેલ નથી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે, કોરોના વાયરસને કારણે અનેક ભારતીય ક્રૂ મેમ્બર્સ અને યાત્રી જહાજ પર ફસાયેલા છે. અત્યાર સુધી કોઇપણ ભારતીયમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા નથી. અમે સતત નજર રાખી રહ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે, 2002-03માં 27 દેશો સાર્સની ઝપેટમાં આવ્યા હતા અને નવ મહિનામાં 774 લોકોના મોત થયા હતા. જ્યારે કોરોના વાયરસની ઝપેટમાં 27થી વધારે દેશ છે. અત્યાર સુધી કોરોનાને કારણે 812 લોકોના મોત થઈ ગયા છે.

