ટીકટોક વીડિયોનું દૂષણ : ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો પર પ્રતિબંધ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શીખ સમાજના પવિત્ર ધાર્મિક સ્થળ એવા અમૃતર સ્થિત ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો શૂટ નહીં કરવાનું ફરમાન જાહેર કરાયું છે. શીરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા આ અંગે જાહેરાત કરાઈ છે. મંદિર પરિસરમાં કેટલાક મુલાકાતીઓ નાચતા અને ગાતા નજરે પડ્યા હતા અને તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે ગોલ્ડન ટેમ્પલ સત્તાધીશોએ તાત્કાલિક અસરથી પરિસરમાં ટીકટોક વીડિયો નહીં બનાવવા ફરમાન જાહેર કર્યું છે.

ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં આ અંગેનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે તેમાં શ્રદ્ધાળુઓને હરમંદિર સાહેબની અંદર ટીકટોક વીડિયો નહીં ઉતારવા ચેતવણી આપવામાં આવી છે. ‘અહીં ટીકટોક વીડિયો પર પ્રતિબંધ છે’ તેવું એક પોસ્ટરમાં લખેલું જણાય છે.

શીખ ધર્મના સર્વોચ્ચ પદ અકાલ તખ્તના મુખ્ય વડા જ્ઞાની હરપ્રીત સિંહે અગાઉ જણાવ્યું હતું કે જો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્થળ એવા ગોલ્ડન ટેમ્પલમાં ટીકટોક વીડિયો બનાવવાનું ચાલુ રાખશે તો કમિટી પરિસરમાં મોબાઈલ લઈ જવા પર જ પ્રતિબંધ મુકી શકે છે.

યુવાનોમાં ટીકટોકનું ઘેલું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઢગલાબંધ એપ્સનો રાફળો ફાટ્યો છે ત્યારે યુવાનોમાં ટીકટોક વીડિયોનું ઘેલું ખાસ વધુ જોવા મળે છે. વૈશ્વિક સ્તરે અને ભારતમાં ટીકટોક વીડિયોના કરોડો યુઝર્સ છે. ચીનના બાઈટડાન્સ દ્વારા આ એપનું સંચાલન કરવામાં આવે છે અને એક અંદાજ મુજબ ભારતમાં આ એપના બે કરોડ જેટલા યુઝર્સ છે.

જ્ઞાની હરપ્રિત સિંહે જણાવ્યું કે, ‘અમે ઈચ્છીએ છે કે શ્રદ્ધાળુઓ સુવર્ણ મંદિરમાં કોઈપણ મુશ્કેલી વગર દર્શન કરે અને મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવો ના પડે. પરંતુ જે રીતે ટીકટોકનું દૂષણ વધી રહ્યું છે તેને જોતા અમારે મંદિર પરસિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે વિચાર કરવા મજબૂર થવું પડશે.’

ભૂતકાળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ મંદિરની અંદર તસવીરો ખેંચવાની મનાઈ કરનાર સેવાદારો સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાના દાખલા છે. છેલ્લા બે માસમાં દરબાર સાહિબ પ્રાંગણમાં નાચતા હોય તેવો વીડિયો વાયરલ થયાની આ બીજી ઘટના છે. અગાઉ એક યુવતીએ ડાન્સ વીડિયો ઉતારીને શીખ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી હતી, જો કે બાદમાં તેણે માફી માંગી લીધી હતી. તાજેતરના વીડિયોમાં ત્રણ છોકરીઓ પંજાબી ગીત પર મંદિરમાં નાચતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે.