હાથીઓને મારવા માટે બોત્સવાના દેશે આદેશ આપ્યો, 1 હાથી મારવાની કિંમત 31 લાખ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તમને સામાન્ય રીતે સાંભળવામાં આવ્યું હશે કે હાથીઓ ઝૂંડમાં માનવ વસ્તીને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોય છે. કોઈને કચડીને મારી નાંખે છે, પણ એક દેશ એવો પણ છે કે જેણે હાથીઓને મારવા માટે આદેશ કર્યો છે. એટલું જ નહીં ત્યાં હાથીઓની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. આ કિંમત હાથી મારનારી સંસ્થા અથવા એજન્સી પાસેથી મેળવવામાં આવે છે.

60 હાથી મારવા 6 લાઈસન્સ આપ્યા

હાથીને મારવાનો આદેશ આપનારા દેશનું નામ બોત્સવાના (Botswana) છે. અહીની સરકારે 60 હાથીને મારવા માટે 6 લાઈસન્સ આપ્યા છે. આ લાઈસન્સમાં લખ્યું છે કે હાથીની કિંમત રૂપિયા 31 લાખ રૂપિયા છે. એટલે કે હાથી મારવા બદલ આટલી રકમ જમા કરવાની રહેશે. હાથીઓને મારવાથી સરકારને 18.60 કરોડ રૂપિયાનો ફાયદો થશે.

બોત્સવાના રાષ્ટ્રપતિએ મોકવિત્સી મસિસીએ જૂના આદેશને પાછો ખેચ્યો

બોત્સાવાના રાષ્ટ્રપતિ મોકવિત્સી મસિસીએ હાથીઓને મારવાને લગતા પાંચ વર્ષ જૂના આદેશને પાછો લીધો છે. બોત્સવાનામાં હાથીઓની વસ્તી ખૂબ વધી ગઈ હોવાથી તેને મારવા માટે આદેશ કરવામાં આવ્યો છે.બોત્સવાનામાં 1990માં હાથીઓની સંખ્યા 80 હજાર હતી. તે અત્યાર સુધીમાં 1.30 લાખ થઈ ગઈ છે.

અગાઉ પડોશી દેશ ઝીમ્બામ્વે, ઝાંબિયા, નામિબિયા, દક્ષિણ આફ્રિકા નિયમોમાં ફેરફાર કરેલા છે

હાથી સતત માનવ વસ્તીઓમાં ઘુસીને ભારે નુકસાન પહોંચાડે છે. અનેક લોકોને મારી નાંખે છે. માટે બોત્સવાનાની સરકારે 60 હાથીને મારવા માટે આદેશ કર્યો છે. જે 6 એજન્સીને હાથી મારવા માટે લાઈસન્સ આપવામાં આવ્યા છે તે હાથીઓને મારી તેના અંગોને વેચીને પૈસા કમાય છે. માટે બોત્સવાનાની સરકારે દરેક હાથીની એક કિંમત નક્કી કરી છે. જે એજન્સી આ કિંમત નહીં આપે તેને હાથી મારવાની પરવાનગી આપવામાં આવશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે પડોશી દેશ ઝીમ્બામ્વે, ઝાંબિયા, નામિબિયા અને દક્ષિણ આફ્રિકા પણ છેલ્લા કેટલાક વર્ષોથી હાથીઓને લઈ નવા નિયમો બનાવી રહ્યા છે, જેથી હાથી અને માનવી વચ્ચે સંઘર્ષને ટાળી શકાય. આ સાથે હાથીની વસ્તીને પણ નિયંત્રિત રાખી શકાય.