જમ્મુ-કાશ્મીર પર સરકારના ઐતિહાસી નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઇ છે. પાકિસ્તાને બિલનો વિરોધ કરતાં ભારત પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તો પાકિસ્તાનની સંસદમાં આ મુદ્દાને લઈને હંગામો થયો હતો.
પોતાની અકળામણમાં પાકિસ્તાનના વડાપ્રધાને યુદ્ધની વાત તો કરી સાથે સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં ઇમરાન ખાને કહ્યું કે અમે કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જઇશું. અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવીશું કે ભાજપની જાતીવાદી વિચારધારાના કારણે ભારતમાં લઘુમતીઓ સાથે શું વર્તન થઇ રહ્યું છે.
ઇમરાન ખાને દલીલ આપી કે તેઓ કાશ્મીર મુદ્દાને લઇને અફઘાનિસ્તાન, ઇરાન અને અમેરિકાનો પ્રવાસ કરી ચુક્યા છે. હવે ભારતની વર્તમાન ગતિવિધિ અંગે યુએન સમક્ષ મામલો ઉઠાવીશું. તો બીજી તરફ પાકિસ્તાન દિલ્હીમાંથી પોતાના રાજદૂતને ઇસ્લામાબાદ પરત બોલાવવા અંગે વિચારી રહ્યું છે. પાકિસ્તાની પત્રકારે એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી.

