એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.પબ્લિક સેફ્ટી એક્ટ યાને જન સુરક્ષા કાનૂન અંતર્ગત જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની અટકાયત કરવામાં આવી છે. આ કાયદા અંતર્ગત બે વર્ષ સુધી નજરકેદ રાખી શકાય છે. અરજીમાં દાવો થયો હતો કે ફારૂક અબ્દુલ્લા પાંચમી ઓગસ્ટથી નજરકેદ છે. તે પછી સુપ્રીમે સરકારને નોટિસ પાઠવી હતી અને ફારૂક અબ્દુલ્લા વિશે સ્પષ્ટતા કરવાનો આદેશ જારી કર્યો હતો.
એક સપ્તાહમાં કેન્દ્ર સરકારે સુપ્રીમને જવાબ આપવાનો રહેશે. એમડીએમકેના નેતા વાઈકોએ સુપ્રીમ સમક્ષ માગણી કરી હતી કે ફારૂક અબ્દુલ્લાને કોર્ટ સમક્ષ પેશ કરવામાં આવે. કારણ કે આ રીતે અટકાયત કરીને સરકારે કાયદાનો ભંગ કર્યો છે.જમ્મુ-કાશ્મીરના કોઈ મુખ્યમંત્રી વિરૂદ્ધ પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ અટકાયત થઈ હોય એવા ફારૂક અબ્દુલ્લા પ્રથમ નેતા છે. 1978માં આ કાયદો લાગુ થયો હતો.
બીજી તરફ નેશનલ કોન્ફરન્સે પણ જાહેરાત કરી હતી કે પાર્ટીના ચેરમેનની અટકાયત મુદ્દે પાર્ટી સત્તાવાર રીતે કાયદાકીય લડત આપશે. પાર્ટીએ દાવો કર્યો હતો કે તેમને કોઈ જ સત્તાવાર જાણકારી આપવામાં આવી ન હતી, છતાં ફારૂક અબ્દુલ્લાને 5મી ઓગસ્ટથી નજરકેદ રખાયા છે. ફારૂક અબ્દુલ્લા મુદ્દે વિપક્ષોનો પણ સહકાર મળ્યો હતો. ઔવેસીએ મુદ્દો ઉઠાવ્યો હતો કે એક 83 વર્ષના વૃદ્ધથી સરકાર એટલી કેમ ડરી ગઈ છે? તેમની અટકાયત આ રીતે કેમ કરી શકે?

