પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે 2003 વર્લ્ડ કપમાં ભારત સામેની હારને તેના કરિયરની સૌથી ખરાબ મેચ બતાવી છે. 2003માં દક્ષિણ આફ્રિકાના સેંચુરિયનમાં રમાયેલ વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાને એ મેચમાં 274 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને ભારતે માત્ર 4 વિકેટ ગુમાવી ચેઝ કરી મેચ જીતી હતી.
અખ્તરે તેના યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેને ખુલાસો કર્યો છે કે તેની ફિટનેસ અને વકાર યૂનુસની ખરાબ કેપ્ટનશિપના કારણે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. અખ્તરે વીડિયોમાં કહ્યું છે કે સેંચુરિયનમાં 2003માં ભારત સામેની મેચ તેના કરિયરની સૌથી નિરાશાજનક મેચ હતી. શાનદાર બોલિંગ ઓર્ડર હોવા છતાં 274ના સ્કોરને બચાવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઉપરાંત શોએબે કહ્યું કે મેચની એક રાત પહેલા તેના ઘૂંટણમાં દુખાવો થયો હતો. જેના કારણે તેને 4-5 ઇન્જેક્શન લેવા પડ્યા હતા. તેને કહ્યું કે ઇન્જેક્શનના કારણે તેના ઘૂંટણમાં પાણી ભરાઈ ગયું હતું. જેને વારંવાર ડ્રેનથી કાઢવામાં આવ્યું હતું. ઉપરાંત શોએબે એમ પણ કહ્યું કે તે સમય તેને ટીમને કહ્યું હતું કે સ્કોરમાં 30થી 40 રન ઓછા છે. પરંતુ બધા ખેલાડી તેની પર ભડકી ઉઠયા હતા અને કહ્યું હતું કે આ સ્કોર પર્યાપ્ત છે. અંતે શોએબે કહ્યું કે તેની ફિટનેસ અને ખરાબ કેપ્ટનશિપના કારણે પાકિસ્તાન ભારત સામે મેચ હાર્યું હતું.