પીરાણા પીપળજ રોડ પર આવેલી ચિરિપાલ ગ્રૂપની ડેનિમ બનાવવાની ફેક્ટરી નંદન ડેનિમમાં શનિવારે સાંજે અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શરૂઆતના તબક્કે આગ લાગતાં જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ફેક્ટરીમાં માત્ર એક જ સીડી હતી. તેમજ ફેક્ટરી પાસે ફાયર NOC પણ નહોતી. જોકે મોડી રાતે આગ પર કાબૂ મેળવાયા બાદ એક ગોડાઉનમાંથી 5 મજૂરની ભૂંજાયેલી હાલતમાં લાશ મળી હતી. ત્યાર બાદ સવારે ફરી સર્ચ ઓપરેશન કરવામા આવ્યું. જેમાં સવારે એક અને બપોર બાદ એક લાશ મળી આવતા મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. હાલ તમામ મૃતકોને વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
એક જ સીડી હોવાથી ઈમરજન્સીમાં સીડી સુધી પહોંચવામાં મુશ્કેલી
નંદન ડેનિમનું ગોડાઉન 300 ફૂટ લાંબુ અને 70 ફૂટ પહોળું છે. ફાયર વિભાગ મુજબ, આ ગોડાઉનમાં પહેલા માળે આવવા જવા માટે ફકત એક જ સીડી હતી. આ પ્રકારની આગ કે અન્ય ઇમરજન્સી ઘટનામાં કર્મચારીઓએ ફકત આ જ સીડીનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે અચાનક આગ લાગતા કે અન્ય કોઇ ઇમરજન્સીમાં આ સીડી સુધી પહોંચતા પણ વાર લાગી શકે તેમ હતી.
આગનું કારણ અકબંધ, સર્ચ મોડું થયું
આ આગ અંગે ફાયર બ્રિગેડને 8 ફેબ્રુઆરીએ સાંજના 5.48 વાગે કોલ મળ્યો હતો. આ આગ અંગે કર્મચારીઓને કહેવાથી જાણ થઈ હતી. માત્ર એટલું જ નહીં, બિલ્ડિંગ પાસે ફાયર NOC પણ નથી. જો કે ફાયર સિસ્ટમ હતી. આ અંગે ફાયર વિભાગે કહ્યું કે, આ ફેક્ટરી ઓફ ઈન્સ્પેક્ટના હેઠળ આવે છે. દરેક ફેક્ટરીમાં ફાયર સિસ્ટમ હોવાની જોઈએ. ફાયર વિભાગને અંદર કેટલા લોકો છે તેની કોઈ ચોક્કસ માહિતી મળી નહોતી અને સર્ચ પણ મોડું થયું હતું. આ ફેક્ટરીમાં કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો હતો. પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

