લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં છે.

ગુજરાત મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભાની ગાંધીનગર બેઠક માટે હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ બેઠક પર છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991થી આ બેઠક પર વિજય મેળવતા આવ્યા છે.

રાજ્યમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. આથી 8 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ હતો. આજે અંતિમ દિવસે 10 ઉમેદવારોએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા. આથી હવે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી લડવાના છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

અમિત શાહ સામે કોંગ્રેસ દ્વારા તેમના ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય એવા સી.જે. ચાવડાને ઉતારવામાં આવ્યા છે. તેમના ઉપરાંત, અમિત શાહ સામે હવે કુલ 15 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. અમિત શાહ સામે જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં એક વ્યક્તિ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડનો સાક્ષી એવો પઠાણ ફિરોઝખાન સઈદ ખાન પણ છે. આ ઉપરાંત એક મુસ્લિમ મહિલા પણ અમિત શાહ સામે ચૂંટણી લડી રહી છે.