આજે બપોર પછી કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ કોંગ્રેસના જ પોતાના બાગી નેતા અલ્પેશ ઠાકોરની ઘરે ગયા હતા. જોકે આ સમયે અલ્પેશ ઠાકોર પોતાના ઘરે હાજર ન હતા આથી આ નેતાઓએ અલ્પેશના ઘરની બહાર કેટલાક કાગળો ચિપકાવી દીધા હતા. ત્યારબાદ આ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શુક્રવારે 5મી જુલાઇના રોજ રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટેની ચૂંટણી યોજાવાની છે જેથી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં જ મત આપવાનો લેખિતમાં આદેશ અપાયો છે. અમે આ આદેશની નકલ અલ્પેશ ઠાકોરની ઘરે ચિપકાવી છે. ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અલ્પેશ ઠાકોરને આ આદેશની જાણ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અલ્પેશ ઠાકોરની ઘરે આ દેશની કોપી ચિપકાવી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે કોઈ અધિકારીઓ ભાગેડુ આરોપીની ઘરે જઈને તેમની સામે જે કોઈ કાર્યવાહી કરવાની છે તેના માટેની નોટિસો ચીપકાવી રહ્યા છે. સામાન્ય રીતે બેંક કે ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ અથવા તો પોલીસ તંત્ર પણ સમન્સ લઈને આરોપીના ઘરે જઈને ચિપકાવી દે છે.

