શહેરમાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતી CRPCની કલમ 144 સામે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે. આ સોગંદનામામાં જણાવ્યું છે કે, જો કલમ 144 લાગુ ન હોય તો શહેરમાં અંધાધૂંધી અને અરાજકતાની સ્થિતિ ઉભી થઈ શકે છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે 144ની કલમ સતત લાગુ કરી રાખવી અનિવાર્ય છે. તેમજ રાજ્ય સરકારે 2002ના રમખાણો, પાટીદાર અનામત આંદોલન, ઉનાકાંડથી લઈ NRC અને CAAના વિરોધમાં નીકળતી રેલીઓ અને ધરણા પ્રદર્શનોના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની પણ રજૂઆત કરી છે.
શું છે મામલો
આ પહેલા IIM-Aના ફેકલ્ટી મેમ્બરે અને અન્ય ચાર લોકોએ પોલીસ કમિશનરના કલમ-144 હેઠળના જાહેરનામાને પડકારતી પિટિશન કરી હતી. જેના પર હાઈકોર્ટે સુનાવણી કરતા સરકાર સામે ઉઠાવેલા તમામ સવાલોનો ખુલાસો કરવા આદેશ કર્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે, 2016થી એકપણ દિવસ એવો નથી જેમાં કલમ-144નું જાહેરનામુ અમલી ન હોય? 144ની કલમનો દુરઉપયોગ થાય તે વ્યાજબી નથી. CAAના વિરોધમાં IIM-Aની બહાર ભેગા થયેલા વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત કરતાં IIM-Aના ફેકલ્ટી અને અન્ય ચારે પિટિશન કરી રજૂઆત કરી હતી કે, આ કલમથી શહેરમાં ભયના માહોલનો સંદેશ જાય છે.

