આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજીને GUJCTOCને 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બનશે.
તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે એ આશયથી ગુજરાત સરકારે ગુજસીટોક કાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. જેને તાજેતરમાં રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા હવેથી આ કાયદાનો અમલ આગામી 1લી ડિસેમ્બરથી કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
સંગઠિત ગુનાખોરી કે જેને કોઇ રાષ્ટ્રિય સીમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે જરૂરી હતું. જેનો 1લી ડિસેમ્બરથી અમલ થતાં સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે.
સરહદ પારના નાર્કો આતંકવાદ નિયંત્રિત થશે
કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથેસાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.
GUJCTOCમાં શિક્ષાત્મક જોગવાઈ
જાડેજાએ ઉમેર્યુ હતું કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (GUJCTOC)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.
વિશેષ કોર્ટની રચના કરાશે
વિવિધ ગુના સંબંધમાં વિશેષ કોર્ટની સત્તાની જોગવાઇ પણ છે. પબ્લીક પ્રોસિક્યુટર, વધારાના પબ્લીક પ્રોસિક્યુટર અને ખાસ પબ્લિક પ્રોસીક્યુટર નિમણૂંક કરાશે. જે આતંકવાદીને લગતા તથા સંગઠિત ગુના નિયંત્રણના કેસો જ લડશે. ઉપરાંત કાયદાકીય કાર્યવાહી કરવા માટે વિશેષ કોર્ટની રચના કરાશે. જો આવી કોર્ટો કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ ન હોય તો તે નિયમિત કોર્ટને તબદીલ કરી શકાશે. વિશેષ કોર્ટની રચના ન થાય ત્યાં સુધી આ ગુનાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સત્તાઓ ડિવિઝન સેશન્સ કોર્ટ પાસે રહેશે. વિશેષ કોર્ટના હુકમ સામે અપીલની પણ જોગવાઇ કાયદામાં કરાઇ છે.
આંતરેલા પુરાવા ગ્રાહ્ય રહેશે
આતંકવાદ અને સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને આંતરીને મેળવાયેલા પુરાવા ગ્રાહ્ય રખાશે. તેમજ પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે. પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબુલાતને પણ વિચારણામાં લેવાશે. સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પડાશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલી મિલકતને ટાંચમાં લેવા અને સરકારને હસ્તક્ષેપ થવાની જોગવાઇ કાયદામાં કરાઇ છે. મિલકતની તબદીલીઓ પણ રદબાતલ કરવાની જોગવાઇ સહિત ફોજદારી કાર્યરીતિના નિયમોમાં પણ ફેરફાર કરી શકાશે. તેમજ ગુનાની ન્યાયિક નોંધ લેવાની અને તપાસ માટેની સરકારી કર્મચારીઓ પોતાની ફરજોના પાલનમાં ચૂક કરે તો શિક્ષાની જોગવાઇ, શુદ્ધ બુદ્ધિથી લીધેલા પગલાઓને રક્ષણની જોગવાઇ પણ કાયદામાં કરાઇ છે.

