અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’ વાવાઝોડાની અસરને કારણે ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણ પલટો આવ્યો હતો. મંગળવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. હિંમતનગરમાં સહિત આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સહિત પડ્યો હતો.
ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન
સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. તેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે ખેડૂતોના મગફળી, ઘાસચારો, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો નવા વર્ષે જ વરસાદને પગલે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની જોરદાર બેટિંગ
ગઈકાલે મોડી રાત સુધી રાજકોટ સહિત જેતપુર, જામનગર, જૂનાગઢ તથા મોરબી જિલ્લામાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ જેતપુર તાલુકામાં નોંધાયો છે. શહેરમાં સાંજના 4 વાગ્યાથી છૂટો છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં 37 મિમી જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પડધરીમાં 19 મિમી અને જામકંડોરણામાં 8 મિમી વરસાદ નોંધાયો છે. હળવદમાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી
સુરત, વલસાડ તથા નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા સહિતાના શહેરોમાં પણ ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરમાં ભારે પવનને કારણે વીજપોલના વાયરો તૂટી ગયા હતાં અને વીજ પુરવઠો ખોરવાયો હતો.
કચ્છમાં વરસાદને કારણે યાત્રિકો ફસાયા
કચ્છમાં પણ ક્યાર વાવાઝોડાની અસરને પગલે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જેને પગલે ભૂજ સહિત માતાના મઢમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો આશાપુરા માતાજીના દર્શન કરવા મઢમાં ઉમટ્યાં હતા. ત્યારે બહાર ગામથી આવેલા દર્શનાર્થીઓને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
