ઉન્નાવ રેપ કેસની પીડિતાની કારને ટ્રકે કચડી, માતા સહિત ત્રણના મોત,પીડિતા ગંભીર

ગુજરાત મુખ્ય સમાચાર

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સેંગર પર આરોલ લગાવનાર ઉન્નાવ રેપ કેસની પીડિતા એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઇ છે. આ અકસ્માતમાં પીડિતાની માતા, કાકી અને ડ્રાઇવરની મોત થઇ ચૂકી છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પીડિતા તેના પરિવાર સાથે રાયબરેલી જેલમાં બંધ તેના કાકાને મળીને ઘરે પાછી ફરી રહી હતી. પીડિતાની કાકા તેનો કેસ લડી રહ્યા હતા, જે હાલમાં જેલમાં બંધ છે.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના દરમિયાન ભારે વરસાદ વરસી રહ્યો હતો અને રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રકે પીડિતાની કારને ટક્કર મારી હતી. ટક્કર માર્યા પચી ટ્રક ડ્રાઇવર ભાગવામાં સફળ થયો હતો. પોલીસ હાલમાં ટ્રકના માલિકની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉન્નાવ રેપ કેસ ગત વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે 16 વર્ષની પીડિતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આવાસ સામે ન્યાય માટે પ્રદર્શન કર્યું હતું. પીડિતાનો આરોપ હતો કે 2017માં નોકરી માટે તે બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરના ઘરે ગઇ હતી જ્યાં તેની પર સેંગરે બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાના એક વર્ષ પછી પીડિતાએ ન્યાય માટે 2018માં સીએમના રહેણાંક સામે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પીડિતાની પિતા કેસ લડી રહ્યા હતા, પરંતુ ધારાસભ્ય કુલદીપ સેંગરના ભાઇ દ્વારા તેમની સાથે ગંભીર રીતે મારઝૂડ કરવામાં આવી હતી જેમાં તેમની મોત થઇ હતી. પીડિતાની પિતા પર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. જે પછી ન્યાય માટે પીડિતાએ સીએમ યોગીને અપીલ કરી હતી.