પાકિસ્તાનના મંત્રીએ ઉત્તેજનામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તારીખ જાહેર કરી દીધી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી તેના વિરોધમાં પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાને હવે હવાઇ માર્ગને જ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. હાલમાં લેવાયેલા નિર્ણય મુજબ પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે ભારત તરફથી આવતા અને કરાચી ઉપરથી ઉડતા વિમાનોની અવર જવર પર રોક લગાવાઇ છે. આ માટેના ત્રણેય રસ્તાને હાલ બ્લોક કરી દીધા છે. પાકિસ્તાને કહ્યું છે કે અમે કરાચી પરના ત્રણ એરસ્પેસને ૨૮મી ઓગસ્ટથી ૩૧મી ઓગસ્ટ સુધી બંધ કર્યા છે. આ પ્રતિબંધને કરાચી પરથી પસાર થતી બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લાગુ પડશે. પાકિસ્તાન દ્વારા લદાયેલો આ પ્રતિબંધ ત્યારે સામે આવ્યો છે જ્યારે પાક.ના મંત્રીએ દાવો કર્યો હતો કે અમે ભારત માટેના દરેક હવાઇ રસ્તાને બંધ કરવા જઇ રહ્યા છીએ અને આ પ્રતિબંધ કાયમ માટે રહેશે. અગાઉ પાકિસ્તાને ભારત સાથેનો વ્યાપાર સસ્પેન્ડ કર્યો, બાદમા બન્ને દેશો વચ્ચે ચાલતી ટ્રેનોને સસ્પેન્ડ કરી અને બસ સેવાને પણ અટકાવી હતી ત્યારે હવે હવાઇ માર્ગે પણ અવળચંડાઇ શરૂ કરી દીધી છે. બીજી તરફ ગુપ્ત રિપોર્ટ અનુસાર આતંકીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીની અનેક વખત મુલાકાત લીધી હતી, પાકિસ્તાનના ઇશારે આતંકીઓ વારાણસીમાં કોઇ હુમલો કરી શકે છે. અહીં અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે જેને નિશાન બનાવી શકે છે. લશ્કરે તોયબામાં આતંકીઓની ભરતી કરનારો ઉમર મદની સાત મેથી ૧૧ મે સુધી વારાણસીમાં રોકાયો હતો. એવા પણ અહેવાલો છે કે જે પાકિસ્તાની મંત્રી પર લંડનમાં ઇંડા ફેંકવામાં આવ્યા હતા તે શેખ રશીદે એક વખત ફરી યુદ્ધની ધમકી આપી છે. આ મંત્રીએ સાથે તારીખ પણ આપી હતી, તેણે જણાવ્યું હતું કે ઓક્ટોબર નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે. બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાનના મંત્રીએ આ નિવેદન કર્યું હતું અને દાવો કર્યો હતો કે અમારા હથિયારો દેખાડવા નહીં પણ તેનો ઉપયોગ કરવા માટે છે. અગાઉ ઇમરાન ખાન પણ આ જ પ્રકારનું નિવેદન કરી ચુક્યા છે. પાકિસ્તાનના અન્ય મંત્રીઓેએ પણ યુદ્ધની ધમકીઓ આપી હતી.