દિલ્હી-NCRમાં પ્રદુષણ સ્તર એટલું ખતરનાક બન્યું છે કે, અહીંની હવા લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની છે. રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 1000ની પાર થયો જે બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે. સાંજે વડાપ્રધાનના મુખ્ય સચિવે દિલ્હી પંજાબ અને હરિયાણાનાં અધિકારીઓ સાથે બેઠક કરી.
બેઠકમાં નક્કી થયું કે, રાજ્યોના મુખ્ય સચિવ દરેક પોતાને ત્યાં દરેક જિલ્લાની સ્થિતીની 24 કલાક દેખરેખ રાખશે. કેન્દ્ર સરકાર તરફથી કેબિનેટ સચિવ સ્થિતીની દરરોજ દેખરેખ કરશે. પ્રદુષણની સ્થિતીને કારણે દિલ્હી સિવાય નોઈડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ અને ગુડગાંનની તમામ શાળાઓ 5 નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે.
વડાપ્રધાનના મુખ્યસચિવ પી.કે.મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ રવિવારે સાંજે દિલ્હી, પંજાબ અને હરિયાણાના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી. દિલ્હીમાં રવિવારે સ્મોગના કારણે એર ટ્રાફિકને પણ અસર થઈ છે. દિલ્હીની લગભગ 37 ફ્લાઈટ ડાઈવર્ટ કરવી પડી.