કોંગો ફિવરથી બે મહિલાનાં મોત બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ

ગુજરાત મુખ્ય સમાચાર

લીંબડી તાલુકાના જામડી ગામે કોંગો ફીવરે દેખા દેતાં રાજ્ય સહિત સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવાં પામી હતી. અત્યાર સુધીમાં જામડી ગામે કોંગો ફીવરનાં કારણે બે મહિલાઓ સુખીબેન મેણીયા ઉ.વ.૭૫ અને લીલુબે સીંઘવ ઉ.વ.૫૦નું મોત નીપજ્યું હોવાનું રીપોર્ટમાં બહાર આવ્યું હતું.

જ્યારે બંન્ને મહિલાઓના મોત બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને ટીમો બનાવી કામગીરી હાથધરી હતી. આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના જામડી ગામે થોડા દિવસો પહેલાં બે મહિલાઓના મોત નીપજ્યાં હતાં. જેનો તાજેતરમાં પુણે લેબોરેટરીથી રીપોર્ટ આવતાં બંન્ને મહીલાઓના કોંગો ફીવરથી મોત નીપજ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

જિલ્લામાં કોંગો ફીવરે માથું ઉચકતાં રાજ્યની આરોગ્યની ટીમે જામડી ગામે ધામા નાંખ્યા હતાં અને બંન્ને મહિલાઓના સંપર્કમાં આવેલ પરિવારજનો સહિતનાઓના સેમ્પલ લીધા હતાં તેમજ સમગ્ર ગામમાં ફોગીંગ, દવાનો છંટકાવ, ડસ્ટીંગ સહિતની કામગીરી હાથધરી હતી.

જ્યારે ગામમાંથી વધુ બે મહિલાઓ કુંવરબેન, નીકીતાબેન વાઘેલા અને અન્ય એક શખ્સ રધુભાઈ સીંધવ સહિતનાઓ શંકાસ્પદ જણાતાં સારવાર હેઠળ હોસ્પીટલે ખસેડાયા હતાં આમ જામડી ગામે કોંગો ફીવરનો કહેર વધતાં બે મહિલાઓના મોત નીપજ્યાં હતાં અને વધુ ત્રણ વ્યક્તિઓને શંકાસ્પદ જણાતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.