કલેક્ટર અને વિદ્યાર્થીઓ વચ્ચે બંધ બારણે થયેલી મીટીંગમાં આખરે શું ચર્ચા થઈ!

ગુજરાત મુખ્ય સમાચાર

છેલ્લાં 24 કલાકથી વધુ સમયથી ચાલતાં ધરણાં બાદ આજે તંત્રના પ્રતિનિધિઓએ વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી. ઉમેદવાર આગેવાનો અને કલેકટર વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારના આગેવાનોએ પોતાની પાંચ માગ સ્વીકારી હોવાનું જણાવ્યું હતું.

આ પાંચમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે એસઆટીની રચના તેમજ વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ રહેશે તે માગનો સ્વીકાર કરાયો છે. જો કે પરીક્ષા રદ થશે કે નહીં તે અંગે ઉમેદવારના આગેવાનોએ પણ મૌન સેવ્યું હતું. સાથે જ આ એસઆઈટીમાં આસિત વોરા નહીં હોય તે માગનો પણ સ્વીકાર કરાયો છે. તો આ બેઠક બાદ કલેકટરે પણ ઉમેદવારની પાંચ માગ સ્વીકારી હોવાની સ્પષ્ટતા આપી હતી.

બંધ બારણે ચર્ચા નહીં પણ કૌભાંડો થાય છે

ગાંધીનગરમા સરકારે પ્રતિનિધિઓના વાતચીત માટે બોલાવ્યા હતા. જેમાં બે જ આગેવાનોનો બોલાવવામાં આવતા ધરણા પર બેઠેલા ઉમેદવારોમાં મતભેદ જોવા મળ્યો. બંધબારણે થયેલી બેઠક સામે કેટલાક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી. બંધાબારણે ચર્ચા નહી પરંતુ કૌભાંડો થાય છે. તેવો પણ ઉમેદવારોએ મત વ્યક્ત કર્યો.

ગુજરાતના ભવિષ્યએ ઠંડીમાં આખી રાત ગાંધીનગરના રસ્તાઓ પર વિતાવી

છેલ્લા અઠવાડિયાથી ગુજરાતના જુદા-જુદા શહેરોમાંથી ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા આવતા હતા અને ધક્કા ખાઇને પાછા જતા હતા કોઈ નિવેડો નહીં આવતા ઉમેદવારોએ ગઈ કાલથી આંદોલન શરૂ કર્યું છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માગણી સાથે ગઈકાલ સવારથી જ ચારથી પાંચ હજાર ઉમેદવારો ગાંધીનગરમાં આવી ગયા હતા તેમજ રસ્તા ઉપર બેસી ગયા છે. ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા મંડળના ચેરમેન અસિત વોરાની હાઈ હાઈ કરી રહ્યા છે. ગઈકાલે દિવસ દરમિયાન ઉમેદવારો દ્વારા રજૂઆત અને ફરિયાદો થઇ હતી. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓને દોડાવીને તેના પર લાઠીઓ વિંઝી હતી. આખરે આ બધા ઉમેદવારો મહાત્મા મંદિરની સામેના જાહેર માર્ગ પર બેસી ગયા હતા.